ઝઘડિયાના ગુમાનદેવ ખાતે ચાલતી રેલવે ગોદી બનાવવાની કામગીરીમાં ધોરીમાર્ગ પર માટીના ઢગલા ખડકાતા હાલાકી

SHARE:

– રસ્તો સાંકડો થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા : અકસ્માતની સંભાવના

– ટ્રેન સેવા શરૂ કરવાના બદલે ફક્ત ગુડ્સટ્રેન સેવા ચાલુ કરાતા ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉધોગપતિઓને આટો જેવો ઘાટ !

(જયશીલ પટેલ, ઝઘડિયા)

અંકલેશ્વર રાજપીપલા વચ્ચેની નેરોગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ લાઈન પર શોભાના ગાંઠીયા સમાન ગણાય તેવી રીતે ફક્ત એક સમય રાજપીપલા તરફ અને એક સમય અંકલેશ્વર તરફ જવા ટ્રેન શરૂ કરવામાં આવી,પરંતું કોરોનાકાળ સમયે તે પણ બંધ કરી દેવામાં આવી અને ત્યાર બાદ હાલ થોડા સમયથી આ લાઈન પર અંકલેશ્વરથી ગુમાનદેવ સુધી ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓના લોડિંગ માટે ગુડ્સટ્રેન શરૂ કરવામાં આવી,ગુમાનદેવ રેલવે સ્ટેશન પર વિશાળ ગણાય તેવી રેલવે ગોદી બનાવવામાં આવી, લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બ્રોડગેજ રેલવે શોભાના ગાંઠીયા સમાન પણ જો ચાલુ રહી હોતતો ભરૂચ નર્મદા જિલ્લાઓના લોકો ટ્રેન ચાલુ છે એવો સંતોષ તો લઈ શકત !!પરંતું કોરોનાકાળ સમયે બંધ થયેલ રેલવે ફક્ત ગુમાનદેવ સુધી ગુડ્સ ટ્રેનના રૂપમાં ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓના ઉપયોગ માટે ચાલુ કરીને જીઆઈડીસીની કંપનીઓને જ જો લાભ આપવાનો હોય તો લોકસુવિધા માટે શરૂ કરવામાં આવેલ બ્રોડગેજ રેલવે સુવિધાથી લોકોએ તો વંચિત જ રહેવું પડે ને?! ત્યારે આતો ઘરના છોકરા ઘંટી ચાટેને ઉધોગપતિઓને આટો જેવો ઘાટ થયો ગણાય. વળી અંકલેશ્વરથી રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ને વિસ્તૃત બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે અને સ્ટેટ હાઈવે દ્વારા રોડની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવેલ છે,પરંતુ ગુમાનદેવ મંદિર પાસે રેલવે ગોદી બનાવેલ છે તે હાઈવેને અડીને રેલવે ઓથોરિટી દ્વારા નિયમ વિરૂધ્ધ જઈને બનાવવામાં આવેલ હોવાનું જણાય છે.કમ્પાઉન્ડ વોલ રોડને અડીને બનાવવાની કામગીરી ચાલતી હોવાથી ગુમાનદેવ મંદિરથી આગળ આવેલ રોડ સાંકડો થઈ ગયેલ છે.રોડને અડીને કોન્ટ્રાક્ટર દ્વારા માટીના ઢગલા કરવામાં આવ્યા છે જે તાકીદે દૂર કરાવવાની જરૂર છે,ઉપરાંત રેલવે ગોદી બનવાના કારણે ગુમાનદેવ ફાટક માલવાહક ગાડી આવવા જવાના સમયે અડધો અડધો કલાક બંધ કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજ સર્જાય છે, તેથી તાત્કાલિક રેલવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવવાની જરૂર છે એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.રેલવે સત્તાવાળા જો તાકીદે આ બાબતે યોગ્ય નહિ કરે તો જન આંદોલન થાય તો પણ નવાઈ નહિ ગણાય! ટ્રેનસેવા વિસ્તૃત રીતે ચાલુ કરવાનું બાજુ પર રહ્યું અને ફક્ત જીઆઈડીસીની કંપનીઓના ઉપયોગ માટે ગુડ્સટ્રેન ચાલુ કરવામાં આવી તેમાં લોકોને મળનારો લાભ તો જાણે નષ્ટ જ થઈ ગયોને? આ વાત રેલવે ઓથોરિટીને કોણ સમજાવશે?

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!