ભરૂચ જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી ધુળેટી નિમિત્તે ઘેરૈયા બનવાની પરંપરાગત પ્રણાલી

SHARE:

– વિવિધ વેશભૂષા અને ચહેરા પર રંગ લગાડી ઘેરૈયા બનતા યુવકો ઠેરઠેર આકર્ષણરૂપ બને છે

(જયશીલ પટેલ, ઝઘડિયા)

હોળી અને ધુળેટી એ બન્ને એકબીજા સાથે જોડાયેલ પર્વો છે. હોળી એટલે ખજુર,કોપરા, ઘઉંની સેવ તેમજ ધાણી ચણાનું પર્વ,જ્યારે હોળીના બીજા દિવસે આવતું ધુળેટીનું પર્વ રંગોનું પર્વ મનાય છે,આ દિવસે યુવાનો સહિત અન્ય લોકો એકબીજા પર રંગ છાંટીને ધુળેટી પર્વનો નિર્દોષ આનંદ લેતા હોય છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં હોળી બાદ પાંચ દિવસ ઘેરૈયા બની ઠેરઠેર નૃત્ય દ્વારા લોકોને મનોરંજન પુરૂ પાડતા ઘેરૈયા પણ લોકોમાં આક્રમણ ઉભુ કરે છે. વિવિધ રંગબેરંગી વેશભૂષા ધારણ કરીને મોં પર રંગ લગાડીને ઘેરૈયા બનવાની પરંપરાગત પ્રણાલી આપણા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી ચાલી આવે છે.ભરૂચ જિલ્લા સહિત છોટાઉદેપુર,પંચમહાલ,દાહોદ,નર્મદા જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ હોળીના દિવસોમાં ઘેરૈયા બનવાની પરંપરા યથાવત રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ રંગબેરંગી વેશભૂષા ધારણ કરી ઢોલ-નગારાના તાલે નૃત્ય કરી લોકોને મનોરંજન પુરૂ પાડતા દેખાતા હોય છે.

ઝઘડિયા તાલુકાના ગામોમાં વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. હોળી પર્વ બાદના પાંચ દિવસો દરમિયાન યુવાનો પરંપરાગત રીતે ઘેરૈયા બનીને ગામેગામ ફરીને નૃત્ય અને લોકગીતો દ્વારા ઉત્સવનો આનંદ લોકોમાં વહેંચે છે, ભરૂચ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ચાલી આવતી ઘેરૈયા બનવાની પ્રથા આજે પણ જોવા મળે છે,જોકે સમયના બદલાવ સાથે આ પ્રણાલીમાં અમુક અંશે ઘટાડો જોવા મળે છે,પરંતું આ પ્રાચિન પ્રણાલી હજું જળવાઇ રહી છે તે વાત આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની એક ઝલક ગણાય ! જોકે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘેરૈયા બનતા યુવકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘેરૈયા ઘરો અને દુકાનો પર જઈને નૃત્ય કરે છે અને લોકો તેઓને મનથી અનાજ તથા રોકડ રકમ આપતા હોય છે. ઘેરૈયાના રૂપમાં આ આદિવાસી નૃત્ય માત્ર મનોરંજન પૂરતું સિમિત નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું મહત્વનું પ્રતિક મનાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!