ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને વિવાદ વધુ વકર્યો : રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા પ મી એપ્રિલથી વિવિધ કાર્યક્રમોની જાહેરાત

SHARE:

– રાષ્ટ્રીય ધરોહર હોવાનો ઈતિહાસ ધરાવતી બુકનું પણ વિતરણ કરાશે 

ભરૂચ,

ભરૂચ શહેરમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે.બે દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ પરિસ્થિતિ વચ્ચે આજે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના પ્રતિનિધિઓ,સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા તેમજ ચક્રઘર સ્વામી સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલા સંકટમોચન હનુમાન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

પત્રકાર પરિષદને સંબોધતા સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે અગાઉ તેમના દ્વારા કરવામાં આવેલા અનશન બાદ પ્રશાસનને આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. સમય પૂર્ણ થતા સમિતિના સભ્યો દ્વારા ફરી એકવાર પ્રશાસન સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય ધરોહર અંગે લોકોને સાચી માહિતી પહોંચે તે માટે આગામી સમયમાં સત્યાગ્રહ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.તેના ભાગરૂપે શહેરના વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજીને લોકોને આ વિષય અંગે માહિતી આપવામાં આવશે.જ્યારે આગામી 5 મી એપ્રિલના સોમવારથી મહિનાના દર સોમવારે સાંજના 4થી 5 એક કલાક સુધી કલેકટર કચેરીની બહાર બેસી હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભરૂચની જામા મસ્જિદ,જૈન મંદિર અને ચક્રધર સ્વામી જન્મસ્થળ હોવાના દાવા સાથે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે ભારે વિવાદ સર્જાય રહ્યો છે.જોકે વહીવટી તંત્ર કે પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી ત્યારે રાષ્ટ્રીય ધરોહારની જાળવણી અંગેના નિયમોનું ચુસ્ત પણે પાલન થાય તેવી હાલ માંગ ઉઠી રહી છે.ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા સત્તાવાર માહિતી આપે તે જરૂરી બન્યું છે.ત્યારે હવે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના આ એલાન બાદ તંત્ર દ્વારા કોઈ સકારાત્મક કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!