– સુરક્ષાને લઈને કોર્ટ અને પરિસર ખાલી કરાવાયુ
– અરજદાર,કોર્ટ સ્ટાફ સહિતના વકીલોને કોર્ટ બહાર કઢાયા
– ડૉગ સ્કવોર્ડ અને બૉમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું
ભરૂચ,
ભરૂચ ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને તપાસ હાથધરી હતી.
ભરૂચમાં આજે ફરી એકવાર સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.ભરૂચ ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને બૉમ્બ અને ડૉગ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને ચુસ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કોર્ટના દરેક ખૂણે સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈમેલ મળવાના બનાવો સામે આવી રહ્યા છે. આ સિલસિલો હજુ યથાવત રહેતા ફરી એકવાર ભરૂચ જિલ્લા કોર્ટને ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સજાગ બની ગઈ છે.
મહત્વનું એ પણ છે કે ભરૂચ જિલ્લામાં આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ યોજાનાર છે, જ્યારે આજે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કાર્યક્રમ યોજાયો હતો. આવી પરિસ્થિતિમાં ધમકીભર્યા ઈમેલને કારણે પોલીસ અને તંત્રની ચિંતા વધી ગઈ છે.
હાલ પોલીસ દ્વારા ઈમેલના સોર્સ સુધી પહોંચવા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે સતર્કતા વધારવામાં આવી છે.જોકે તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ બૉમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર સતર્ક થયું છે.




