નેત્રંગમાં ખેતર માંથી ગુમ થયેલી મહિલાની દટાયેલી લાશ મળી આવતા ચકચાર : પતિએ નોંધાવી હત્યાની ફરિયાદ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલ મહિલાની લાશ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામના વતની રસિકભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે તેમની પત્ની,હસુમતીબેન ગત તારીખ ૨૮/૦૨/૨૦૨૬ ના રોજ બપોરના સમયે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.તપાસ દરમ્યાન ગઈકાલે સવારે જ્યારે પરિવાર અને ગ્રામજનો શોધખોળ કરી રહ્યા હતા,ત્યારે સીમમાં આવેલી એક આંબાની વાડીના પાછળના ભાગે જમીનમાં કંઈક દાટ્યું હોય તેવું શંકાસ્પદ જણાયું હતું.
એ અંગે પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જમીન ખોદતા અંદરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી.તેને ખોલીને જોતા તેમાં મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકના પતિ અને પુત્રોએ લાશ પરના કપડાં પરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર હસુમતીબેનનું ગળું ટૂંપો દઈને હત્યા કરી છે અને પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી દીધી હતી.નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે.પોલીસ આ ગુના પાછળના કારણો અને આરોપીની શોધમાં વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!