– વેપારીએ વ્યાજખોર અજય શાહ સામે સી ડિવિઝનમાં અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ,
ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. શહેરના તુલસીધામ વિસ્તારના રહેવાસી અને કપડાંના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે વ્યાજખોર દ્વારા તેમને મારપીટ કરી અને ધમકી આપી રૂપિયા ઉઘરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, વેપાર માટે જરૂરિયાત હોવાથી ફરિયાદીએ વર્ષ 2022 દરમ્યાન આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી રૂપિયા 3 લાખ ઉધાર લીધા હતા.10 મહિના દરમિયાન 5% વ્યાજ સાથે રકમ પરત કરવાની શરત હતી અને તે સમયે સુરક્ષા રૂપે 3 કોરા ચેક પણ આપવામાં આવ્યા હતા.
પછી આરોપીએ વ્યાજના નામે વધુ રૂપિયા માંગવાનું શરૂ કર્યું અને કુલ મળીને ફરિયાદી પાસેથી આશરે 18 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવાનો આરોપ છે.તેમ છતાં આરોપી દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી ફરિયાદીની દુકાન પર આવી ધમકી આપી અને મારપીટ પણ કરી હતી.એક પ્રસંગે તેમને જબરદસ્તી કારમાં બેસાડી લઈ જઇને માર મારવામાં આવ્યો હતો તેમજ રૂપિયા માંગવામાં આવ્યા હતા.આરોપી દ્વારા પરિવાર સામે પણ અપમાનજનક ભાષા વાપરી ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાથી ત્રસ્ત થઈને ફરિયાદીએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.




