ડૉ.પી.જી.સોલંકી સાર્ધ શતાબ્દી મહોત્સવ : જીવન અને પ્રદાન વિષયક પરિસંવાદ યોજાઈ ગયો

SHARE:

– ડૉ.બાબાસાહેબ આંબેડકરના સલાહકાર અને મોટાભાઈ સમાન હતા ડૉ.પી.જી.સોલંકી

વડોદરા,         

ભારતની આઝાદી પહેલાં, મહાત્મા ગાંધીજી , ક. મા.મુનશી, ઠક્કર બાપા, સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ડૉ.બાબાસાહેબ આંબેડકર જેવા રાષ્ટ્રીય નેતાઓ સાથે કામ કર્યું એવા ડૉ.પી.જી.સોલંકીના જીવન અને પ્રદાન વિષયક પરિસંવાદ માં મુંબઈથી આવેલ વકતાઓ અને ગુજરાતના વક્તાઓએ વિવિધ વિષયો ઉપર રસપ્રદ અને વિગતસભર વ્યાખ્યાન આપ્યા હતા.

ડૉ.પી.જી.સોલંકી સાર્ધ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ,નવસારી/મુંબઈ ધ્યેય યુવા સંગઠન, વડોદરા તથા ડૉ.બી.આર.આંબેડકર ભવન,વડોદરાના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ પરિસંવાદ અલકાપુરી સ્થિત ડૉ.બી.આર.આંબેડકર ભવન મુકામે યોજાઈ ગયો.

દીપ પ્રાગટય પછી સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત એડવોકેટ હિતેશ ઈંટવાલાએ કર્યું હતું.તથા પુસ્તક, પુષ્પ ગુચ્છ અને ખાદીના રૂમાલથી મહેમાનશ્રીઓનું સ્વાગત થયું.ત્યાર પછી મુકેશ હૈલૈયાએ સંસ્થાઓનો પરિચય કરાવ્યો હતો.

મુંબઈથી પધારેલ બેન્ક ઓફ બરોડાના નિવૃત્ત ચીફ મેનેજર અને આ સાર્ધ શતાબ્દી મહોત્સવ સમિતિના સંયોજક, ગોવિંદભાઈ રાઠોડે ડૉ.પી.જી.સોલંકીના સામાજિક યોગદાન વિશે તથા ઈન્ડિયન બેંકના નિવૃત્ત ઓફિસર અને સાર્ધ શતાબ્દી મહોત્સવ સમિતિના પ્રમુખ રવીન્દ્ર વર્માએ ડૉ.પી.જ.સોલંકીના રાજકીય પ્રદાન વિશે વક્તવ્ય આપ્યું હતું.વડોદરાના પૂર્વ મેયર અને નિવૃત્ત શિક્ષક ડૉ.જીવરાજ ચૌહાણે,ડૉ.પી.જી.સોલંકીની સ્મૃતિમાં તેઓના નામથી ગુજરાત સરકારની શિષ્યવૃતિ યોજના વિશે સમજણ આપી હતી.જીવન વીમા કોર્પોરેશન, વડોદરાના માર્કેટિંગ મેનેજર શ્રી શૈલેષ કોલાવાલાએ તત્કાલીન અને વર્તમાન સમયની આર્થિક સ્થિતિની સમીક્ષા સાથે બહુજન સમાજમાં આર્થિક ઉપાર્જન અને આયોજન વિશે જાગૃત થવાની વાત સમજાવી હતી.

આ પ્રસંગે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા અને સેશન્સ કોર્ટના જિલ્લા વકીલ મંડળની મેનેજિંગ કમિટીમાં ખૂબ જંગી મતોથી વિજેતા થવા બદલ, એડવોકેટ હિતેશ ઈંટવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે માતા સાવિત્રી બાઈ ફૂલે સન્માન તેમજ તિલક માંઝી રાષ્ટીય સન્માન પ્રાપ્ત કરનાર આસિસ્ટંટ પ્રોફેસર ડૉ.શર્મિષ્ઠા સોલંકીને પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરવા બદલ તથા વડોદરા મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બનવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ.બી.આર આંબેડકર ભવનના પ્રમુખ તથા આજના કાર્યક્રમના અધ્યક્ષ મણિલાલ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમનું સંકલન અને સંચાલન, સાહિત્યકાર અને પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી,નૈષધ મકવાણાએ સંભાળ્યું હતું.આ પરિસંવાદમાં સિત્તેર જેટલા લોકોએ ભાગ લીધો હતો. તથા પ્રતિકૂળતાઓને કારણે ઊપસ્થિત નહી રહી શકયા પરંતુ કાર્યક્રમની સફળતા માટે ધ્યેય યુવા સંગઠનના ફાઉન્ડર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયાના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.આભાર દર્શન ધર્મેન્દ્ર ચૌહાણે કર્યુ હતું. અંતે રાષ્ટ્રગીતના ગાન અને સ્વરુચિ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!