– હાંસોટના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ જવા માટે બોટનો થાય છે ઉપયોગ : જિલ્લા પંચાયત દ્વારા હરાજી દ્વારા આપવામાં આવે છે ઘાટ
– ઘટના સંચાલકો દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ પાસે 500 અને 250 વસુલવામાં આવે છે : બોટમાં સવાર નર્મદા પરિક્રમવાસીઓએ વિડીયો કર્યો વાયરલ
– નદી અને સમુદ્રના સંગમ સ્થળ પર દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ચર્ચાતો પ્રશ્ન
ભરૂચ,
ભરૂચના હાંસોટના વમલેશ્વરથી સામે પાર આવેલ મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.બોટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડાતા હોવાના આક્ષેપ થયા છે.
ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે નદી પાર કરવાની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.હાંસોટ તાલુકાના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ સુધી નદી-સમુદ્ર પાર કરવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે,પરંતુ તાજેતરમાં એક વીડિયો બહાર આવ્યો છે જેમાં બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.નર્મદા પરિક્રમાવાસીઓ વમલેશ્વર ઘાટથી મીઠી તલાઈ પહોંચવા માટે બોટનો સહારો લે છે.જિલ્લા પંચાયત દ્વારા આ ઘાટ હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને આપવામાં આવે છે.પરંતુ વીડિયો મુજબ બોટમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ક્ષમતા કરતા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે.આ ઉપરાંત પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રનું સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા પરિક્રમાવાસીઓ પાસે 500 અને પગપાળા આવતા પરિક્રમાવાસીઓ પાસે 250 સુધીની રકમ વસૂલવામાં આવે છે.બોટમાં સવાર રહેલા પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.ઉલ્લેખનીય છે કે જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે.આવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ચર્ચા ઉઠી રહી છે.આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ અંગે હોડી ઘાટના સંચાલક સંકેત પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે બોટમાં નિયમો અનુસાર જ પરિક્રમા વાસીઓને બેસાડવામાં આવ્યા હતા અને તબક્કાવાર લાઈફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.જોકે તેમના વિરોધીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે.




