ભરૂચ જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

SHARE:

ભરૂચ,

સમગ્ર વિશ્વમાં ૨૪મી માર્ચને ‘વિશ્વ ક્ષય દિવસ’ (World TB Day) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે ભરૂચ જિલ્લામાં ક્ષય રોગ (ટીબી) પ્રત્યે જનજાગૃતિ લાવવા અને વર્ષ ૨૦૨૬ની થીમ “હા, અમે ટીબીને નાબૂદ કરી શકીએ છીએ” ને સાર્થક કરવા માટે એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકોમાં ટીબીના રોગ વિશે વ્યાપેલી ગેરમાન્યતાઓ દૂર કરવા, સમયસર નિદાન અને સરકાર દ્વારા ઉપલબ્ધ મફત સારવાર અંગે માહિતી પહોંચાડવાના ઉમદા હેતુથી આ રેલી યોજાઈ હતી.રેલી દરમ્યાન સહભાગીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે “ટીબી હારશે, દેશ જીતશે” ના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા.આ રેલી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને લોકોને ટીબીના લક્ષણો, નિદાનની પદ્ધતિઓ અને સરકાર દ્વારા આપવામાં આવતી પોષણ સહાય (નિક્ષય પોષણ યોજના) વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટીબી એ ચેપી હોવા છતાં સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ છે.જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ સમય માટે ખાંસી, સાંજ ના સમયે તાવ આવવો કે વજનમાં ઘટાડો થવો જેવા લક્ષણો જણાય, તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક તપાસ કરાવી જોઈએ.જનભાગીદારી દ્વારા જ આપણે ભારતને ટીબી મુક્ત બનાવી શકીશું.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, RCHO, જિલ્લા ક્ષય અધિકારી (DTO), DTC MO તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અને NTEP વિભાગના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નર્સિંગના વિદ્યાર્થીઓ અને જનરલ હેલ્થ સ્ટાફ પણ મોટી સંખ્યામાં જોડાયો હતો.આ જનજાગૃતિ રેલીના માધ્યમથી ભરૂચ જિલ્લામાં ટીબી પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો અને સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!