– અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આર.સી.સી. રોડ, પેવર બ્લોક અને બ્યુટીફીકેશનના કામો હાથ ધરાશે
ભરૂચ,
ગુજરાત સરકારના નેતૃત્વ હેઠળ રાજ્યના શહેરોમાં આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બની રહી છે.જેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યર-૨૦૨૫ (૨૦ વર્ષ શહેરી વિકાસના) અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત રમણમૂળજીની વાડી પાસે હાંસોટ રોડ અંક્લેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું.રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના (સ્વતંત્ર હવાલો) મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે અંદાજે રૂ.૭૨૬.૯૨ લાખના ખર્ચે સાકાર થનારા પ્રકલ્પોનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે.અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં માર્ગોના નવિનીકરણ અને બ્યુટીફીકેશનથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.જે શહેરની કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મુખ્યત્વે બે મોટા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે.જેમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ.૬૮૭.૫૭ લાખના ખર્ચે આર.સી.સી. રોડ, પેવર બ્લોક અને શહેરના બ્યુટીફીકેશનના કામો કરવામાં આવનાર છે. સાથોસાથ નાગરિકોની સુવિધા માટે રૂ.૩૯.૩૫ લાખના ખર્ચે ‘શાંતિધામ’ સ્મશાનનું રીનોવેશન કાર્ય પણ હાથ ધરવામાં આવનાર છે.વધુમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તાલુકા અને જિલ્લા પંચાયતના અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અંક્લેશ્વર તાલુકાના બાકરોલ ગામના પ્રવેશ દ્વારના લોકાર્પણનો કાર્યકમ યોજાયો હતો.
આ તકે, અંકલેશ્વર નગરપાલિકાના વહીવટદાર બી.એ. જાડેજા, મુખ્ય અધિકારી કેશવલાલ એમ. કોલડીયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




