– ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે કહ્યું ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવું એ સમગ્ર રાજ્યનું અપમાન છે
– અપમાનજનક શબ્દો માટે કોંગ્રેસે ગુજરાતની જનતા પાસે માફી માંગવી જોઈએ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરાતા ભાજપ નર્મદા દ્વારા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન બેઠક યોજાઈ
હતી અને વિરોધ કરી અપમાનજનક શબ્દો માટે કોંગ્રેસે ગુજરાતની જનતા પાસે માફી માંગવાની માંગ કરી હતી.
ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને લઈને કરાયેલા નિવેદનથી સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન થયાનું ભાજપ નર્મદા જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું છે.આ અપમાનજનક નિવેદનના વિરોધમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન બેઠકમાં નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે ભાજપના જિલ્લા હોદ્દેદારો,મોરચા પ્રમુખો, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતની જનતા અંગે કરવામાં આવેલ નિવેદન અત્યંત નિંદનીય છે.ગુજરાતે દેશના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવું એ સમગ્ર રાજ્યનું અપમાન છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે અને આવા અપમાનજનક શબ્દો માટે કોંગ્રેસે ગુજરાતની જનતા પાસે માફી માંગવી જોઈએ.બેઠક દરમ્યાન ભાજપના હોદ્દેદારોએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સતત ગુજરાત વિરોધી માનસિકતા સાથે કામ કરી રહી છે.ગુજરાતે વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે અને આ વિકાસથી કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે.
અંતમાં ભાજપ નર્મદા જિલ્લા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનની ઘોર નિંદા કરવામાં આવી હતી અને ગુજરાતીઓના સન્માન માટે સતત લડત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.




