– મલ્લિકાર્જુન ખડગે તેમના વિવાદિત નિવેદન બદલ ગુજરાત અને ગુજરાતીઓની માફી માંગે
ભરૂચ,
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા મૌન ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ માટે ‘અભણ’ અને ‘મૂર્ખ’ જેવા શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો છે તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં ‘મૌન વિરોધ પ્રદર્શન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જે ધરણામાં ઉપપ્રમુખ નિરલ પટેલ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ તેમજ માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત શહેર અને જિલ્લા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કાળા માસ્ક અને વિરોધ દર્શાવતા બેનરો સાથે જોડાયા હતા.
ભાજપ દ્વારા ખડગેના આ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગો માંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવે છે.
ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાત સુરક્ષિત રાજ્ય હોવાથી વિશ્વભર માંથી લોકો અહીં રોકાણ કરવા ઈચ્છે છે,પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે.મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે અને મલ્લિકા અર્જુન ખડગેએ પોતાના નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેર માફી માંગવી જોઈએ.
આગામી દિવસોમાં ગુજરાતમાં સ્વાયત સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે આ મુદ્દો વધુ ગરમી પકડે તેમ માનવામાં આવી રહ્યું છે.




