ભરૂચ,
ભરૂચ શહેરમાં કાળઝાળ ઉનાળાની વચ્ચે જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે,ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. “Retired Police Group of Bharuch”ના સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી સતત સેવાભાવથી કાર્ય કરી રહ્યા છે અને સાબિત કરી રહ્યા છે કે પોલીસની ફરજ નિવૃત્તિ પછી પણ પૂર્ણ થતી નથી.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે.રસ્તા પર કામ કરતા શ્રમિકો,રાહદારીઓ અને રોજગાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું કપરું બની ગયું છે.અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે.મોંઘી બોટલનું પાણી ખરીદવું દરેક માટે શક્ય ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે.
આવી વિકટ પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ગ્રૂપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની સુવિધા ઉભી કરી રહ્યા છે. સ્ટેશન પોલીસ ચોકી, સીટી સેન્ટર સામે, પાંચબત્તી અને શક્તિનાથ જેવા વિસ્તારોમાં પાણીના જગ મુકવામાં આવ્યા છે, જ્યાંથી રોજના દસથી પંદર જેટલા જગ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપ મોઘે જણાવે છે કે આ સેવા માત્ર તરસ બુઝાવવા પૂરતી નથી, પરંતુ સમાજને સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે.આ સમગ્ર ખર્ચ પોલીસ ગ્રૂપ દ્વારા જ ઉઠાવવામાં આવે છે.આ સેવાકીય પહેલથી શહેરના લોકોમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે. નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે “પોલીસ” માત્ર નોકરી નથી, પરંતુ જીવનભર ચાલતી જવાબદારી અને સમાજ પ્રત્યેની અવિરત સેવા છે.




