– પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે જોકે સ્થાનિકોમાં હજુ અસંતોષ
ભરૂચ,
ભરૂચ નજીક NH-48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક લોકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહનચાલકો દ્વારા વિવિધ પ્રશ્ને ચક્કાજામ કરાતા પોલીસ દોડતી થઈ હતી.
ભરૂચ નજીક NH-48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર આજે સ્થાનિક લોકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહનચાલકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો.આ વિરોધ દરમ્યાન ખાનગી બસોને રસ્તા પર આડી મૂકી દેતા થોડા સમય માટે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ ટોલ વસુલવામાં આવે છે,જે નિયમો વિરુદ્ધ છે.વધુમાં ટોલ પ્લાઝા પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામને કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હોવાની ફરિયાદ પણ ઉઠાવવામાં આવી હતી.પરિસ્થિતિ બગડતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વાહનવ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો.પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
આ મામલે ટોલ કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે (NHAI) ના નિયમો અનુસાર સ્થાનિક કમર્શિયલ વાહનો પાસેથી માત્ર 50 ટકા જ ટોલ વસુલવામાં આવે છે અને નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે જોકે સ્થાનિકોમાં હજુ અસંતોષ જોવા મળી રહ્યો છે.




