– વિદ્યાર્થીઓએ હેરિટેજ ઈમારતોની મુલાકાત લઈ તેમની નોંધપોથીમાં મહત્વપૂર્ણ માહિતી નોંઘી
ભરૂચ,
આજરોજ વિશ્વ વારસા દિવસ (World Heritage Day) ની ઉજવણીના અવસરે આજે રુંગટા વિદ્યા ભવન દ્વારા ભરૂચ શહેરમાં હેરિટેજ વૉકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ અપાવવા અને તેમના મનમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ વિકસાવવા આ આયોજન કરવામાં આવ્યું હતું.
હેરિટેજ વૉક દરમ્યાન વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે ભરૂચના વિવિધ ઐતિહાસિક અને વારસાગત સ્થળોની મુલાકાત લીધી હતી.જેમાં જામા મસ્જિદ, સરદાર મંઝિલ,રાયચંદ દીપચંદ લાઈબ્રેરી, આર.એસ. દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ ફોર્ટ વોલ જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થયો હતો.દરેક સ્થળે વિદ્યાર્થીઓને તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સ્થાપત્ય કળા અને તેના સામાજિક મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ હેરિટેજ વૉક દરમ્યાન વિદ્યાર્થીઓએ માત્ર સ્થળોની મુલાકાત જ નહીં લીધી પરંતુ તેમની નોંધપોથીમાં મહત્વપૂર્ણ માહિતી નોંધવાની પ્રવૃત્તિ પણ કરી હતી, જેના દ્વારા શૈક્ષણિક અભ્યાસને પ્રાયોગિક અનુભવ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ શાળા કેમ્પસ માંથી પ્રસ્થાન સાથે શરૂ થયો હતો અને સમગ્ર યાત્રા પદયાત્રા સ્વરૂપે યોજાઈ હતી. માર્ગ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટ જોવા મળી હતી.
શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસાને ઓળખવાની અને તેને જાળવવાની પ્રેરણા મળી હતી.




