ઝઘડિયા તાલુકાના વલી ગામે ૧૮૨ આદિવાસી યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

SHARE:

– ઢોલ,નગારા અને પારંપરિક નૃત્યો સાથે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના આંગણે યોજાયો ભવ્ય લગ્નોત્સવ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો વલી ગામ આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા આયોજિત ભવ્ય ‘આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ’માં આજે ૧૮૨ દીકરા-દીકરીઓએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.પ્રકૃતિના ખોળે અને આદિવાસી રીત-રિવાજો સાથે યોજાયેલા આ લગ્નોત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું.છેલ્લા બે દિવસથી વલી મુકામે ચાલી રહેલા આ મહોત્સવનો આજે મુખ્ય દિવસ હતો. ગઈકાલે મંડપ મુહૂર્ત અને રાત્રે પરંપરાગત નાચગાન બાદ, આજે સવારથી જ લગ્નનો માહોલ જામ્યો હતો.સવારે હળદર વિધિ બાદ ૧૮૨ વરરાજાઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આદિવાસી ઢોલ-નગારા અને વાજિંત્રોના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા. બપોરે ૧૨:૦૦ કલાકે શાસ્ત્રોક્ત અને આદિવાસી પરંપરા મુજબ લગ્નવિધિ સંપન્ન થઈ હતી. ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ નવદંપતીઓને કરિયાવર રૂપે જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ભેટ આપવામાં આવી હતી.

સાંજે કન્યા વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્ય દ્વારા આટલા મોટા પાયે આયોજન કરીને ૧૮૨ પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરવાના આ પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. આ મહોત્સવ આદિવાસી સમાજની એકતા અને ભવ્ય વારસાનું પ્રતીક બની રહ્યો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!