ભરૂચ,
ભરૂચમાં સોસાયટી વિસ્તારમાં 132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવર ઉભો કરવાના કામકાજથી તેના રેડિયેશનના સંભવિત જોખમને લઈને સ્થાનિકોમાં ચિંતા ઉભી થતા રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેરના પુષ્પમ,આશાપુરી અને રચના નગર સહિતની સોસાયટીના ત્રણ થી ચાર હજાર રહિશોએ રહેણાંક વિસ્તારની જાહેર સલામતીને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.સોસાયટી માંથી પસાર થતી 132 KV હાઈટેન્શન લાઈનની નજીક આશરે 30 મીટર ઊંચા મોબાઈલ સિગ્નલ ટાવર માટે જરૂરી તમામ કાયદાકીય મંજૂરીઓ અને અંતિમ NOC મેળવવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી.તેમ છતાં સ્થળ પર બેઝ અને ફાઉન્ડેશનનું બાંધકામ શરૂ કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો.
આ સમગ્ર મામલે 132 KV હાઈટેન્શન લાઈનથી સલામત અંતર અને ટાવરની ટેકનિકલ સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.વાવાઝોડું,ભૂકંપ અથવા અન્ય કુદરતી આપત્તિ દરમિયાન ટાવર હાઈટેન્શન લાઈન તરફ તૂટી પડે તો ગંભીર જાનમાલનું જોખમ ઊભું થઈ શકે તેવી આશંકા રહીશોએ વ્યક્ત કરી છે.આ ઉપરાંત મોબાઈલ ટાવર માંથી નીકળતા રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશનના લાંબા સમયના સંપર્ક અંગે પણ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.જોકે રેડિયેશનના આરોગ્ય પરના પ્રભાવ અંગે વૈજ્ઞાનિક સંશોધન ચાલુ છે અને નિયમનકારી મર્યાદા હેઠળના મોબાઈલ ટાવર રેડિયેશનથી ચોક્કસ બીમારીઓ થાય છે એવું નિશ્ચિતપણે સાબિત થયેલું નથી. તેમ છતાં રહેણાંક વિસ્તારની નજીક ટાવર સ્થાપિત કરતા પહેલાં લાગુ પડતા RF રેડિયેશનના ધોરણો, સલામતી મર્યાદા અને ટેકનિકલ મંજૂરીઓનું પાલન થયું છે કે નહીં તેની તપાસ જરૂરી થાય અને રહેણાંક વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.




