– મંત્રી પ્રદ્યુમન વાજાના જન સુનવાઈ કાર્યક્રમની સૂચના મુજબ ગામજનોના પ્રશ્નનું ત્વરિત નિરાકરણ લાવવા ખાતરી અપાઈ
– ઓવરબ્રિજ બનવાથી વાહનવ્યવહાર સુગમ બનશે, ટ્રાફિક સમસ્યા હલ થશે અને અકસ્માતો અટકશે : ગ્રામજનો
ભરૂચ,
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા માંથી પસાર થતા અત્યંત મહત્વપૂર્ણ નેશનલ હાઈવે નંબર-૫૬ પર મૌઝા ગામે ઓવરબ્રિજ બનાવવા અંગે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી માંગણી સંદર્ભે આજે માન. ધારાસભ્ય રીતેશ વસાવા તથા ઝઘડિયા પ્રાંત અધિકારી ડૉ.પંકજ વલવાઈએ નેત્રંગ અને મૌઝા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી.
મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબની જન સુનવાઈ કાર્યક્રમ દરમ્યાન મળેલી સૂચનાઓ મુજબ ધારાસભ્ય રીતેશ વસાવા અને પ્રાંત અધિકારી ડૉ.પંકજ વલવાઈએ સ્થાનિક ગ્રામજનો સાથે મુલાકાત કરી એમની રજૂઆતો અત્યંત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી.મૌઝા ગામેથી પસાર થતા નેશનલ હાઈવે ૫૬નું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.અહીં ઓવરબ્રિજ ન હોવાને કારણે અવારનવાર ટ્રાફિકજામની ભારે સમસ્યા સર્જાય છે અને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે તો હજારો લોકોને ટ્રાફિક માંથી રાહત મળશે તથા માર્ગ અકસ્માતોનું પ્રમાણ નહિવત થઈ જશે.
ગામજનોની આ વ્યાજબી માંગણીને ધ્યાને લઈ ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારીએ આ સમસ્યાનું યોગ્ય અને ત્વરિત નિરાકરણ લાવવા માટે સંબંધિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં મૌઝા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



