– કેમિકલ ભરેલા ડ્રમોમાં એક બાદ એક ધડાકા થતાં દોડધામ મચી : 5 થી 7 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં એક બાદ એક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.આ ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આગ એટલી વિકરાળ બની હોવાનું જાણવા મળી રહ્યું છે કે ઘટનાસ્થળથી અંદાજે 5થી 7 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કંપનીમાં રાખવામાં આવેલા ડ્રમોમાં થતા ધડાકાઓને કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત શરૂ કરી હતી. કેમિકલ ભરેલા ડ્રમોમાં વિસ્ફોટ થવાની સંભાવનાને પગલે આગ બુઝાવવાની કામગીરી પણ પડકારજનક બની હોવાનું જણાય છે.
હવે સૌથી મોટા સવાલો એ છે કે કંપનીમાં કયા પ્રકારના કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો? કેમિકલ ભરેલા ડ્રમોમાં ધડાકા થવાનું કારણ શું છે? કંપનીમાં ફાયર સેફ્ટી સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ પૂરતી હતી કે નહીં?
હાલ આગનું ચોક્કસ કારણ, જાનહાનિ કે ઈજાગ્રસ્તો અંગેની સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.



