ભરૂચ,
ભરૂચ જીલ્લાના હાંસોટ ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે ભરૂચના કલેક્ટરઅને અંકલેશ્વરના નાયબ કલેક્ટરને પ્રકૃતિ સુરક્ષા મંડળ અંકલેશ્વર દ્વારા રૂબરૂ આવેદનપત્ર આપી પાઈપલાઈનની કામગીરીથી થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી.
રજુઆત મુજબ જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા નર્મદા ક્લીન ટેક લિમિટેડ (NCT)ના ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ માટે હાંસોટ ગામનાં ૨૪ ખેતરો માંથી આશરે ૨.૫ કિ.મી લાંબી પાઈપલાઈન નાખવામાં આવી છે.ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની પૂર્વસંમતિ અને વળતર ચૂકવ્યા વિના પોલીસબળની હાજરીમાં કામગીરી કરવામાં આવી હતી.આશરે નવ મહિના બાદ પણ વળતર કોણ ચૂકવશે અને ક્યારે ચૂકવશે તે અંગે સ્પષ્ટ લેખિત નિર્ણય મળ્યો નથી.
ખેડૂતોના જણાવ્યા મુજબ ખોદકામમાં ઉપરની ફળદ્રુપ માટી નીચે દટાઈ જવાથી અને યોગ્ય સમતલીકરણ ન થવાથી જમીનની ખેતીલાયક સ્થિતિને નુકસાન થયું છે.ઊભા પાક, પાણીના બોર, સિંચાઈની પાઈપલાઈનો અને ફેન્સિંગને પણ નુકસાન થયાની ફરિયાદ છે.અગાઉની પાઈપલાઈન બાદ મહેનત અને ખર્ચથી સુધારેલી જમીનને નવી લાઈનની કામગીરીથી ફરી નુકસાન થયાનું આવેદનમાં જણાવાયું છે.
મંડળના જણાવ્યા અનુસાર NCT, જી.આઈ.ડી.સી અને ઈજારદાર વચ્ચે વળતરની જવાબદારી અંગે એકબીજા તરફ નિર્દેશ કરવામાં આવતાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.મંડળે સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત પક્ષોની આંતરિક જવાબદારીની અનિશ્ચિતતાનો બોજ ખેડૂતો ઉપર મૂકવો યોગ્ય નથી.
આવેદનમાં ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં સર્વે નંબરવાર સંયુક્ત સ્થળતપાસ અને પંચનામું, નિષ્ણાતો દ્વારા નુકસાનનું મૂલ્યાંકન, જવાબદાર પક્ષ નક્કી કરતો લેખિત હુકમ અને જમીન તથા ખેતીનાં સાધનોના પુનઃસ્થાપનની માંગ કરવામાં આવી છે.ખેડૂતો સામે કેસો અને ધમકીના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
મંડળે ૧૫ દિવસમાં સંયુક્ત બેઠક અને સ્થળતપાસ તથા શક્ય તેટલી ૩૦ દિવસમાં વળતર અંગે નિર્ણય લેવા વિનંતી કરી છે. અંતિમ મૂલ્યાંકનમાં સમય લાગે તો નિર્વિવાદ નુકસાન માટે વચગાળાની ચુકવણી કરવાની માંગ પણ કરવામાં આવી છે.



