– તસ્કરો સોલાર પ્લાન્ટ માંથી ઈન્વર્ટરના કોપર કેબલો ઉઠાવી ગયા,અન્ય કેબલો કાપી નુકશાન પહોંચાડ્યું
– ચોરીની ઘટના બાદ દોઢ મહિના પછી પોલીસ ફરિયાદ નંધાવાતા આશ્ચર્ય સર્જાયું
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની સીમમાં આવેલ કાસા આર્ક એલએલપી સોલાર પ્લાન્ટ સાઈટને તસ્કરોએ નિશાન બનાવી ઈન્વર્ટરના કોપર કેબલની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.તસ્કરોએ પ્લાન્ટમાં પ્રવેશ કરી આશરે ૧૫૦૦ મીટર જેટલો ઈન્વર્ટરનો કોપર કેબલ ચોરી કરી લીધો હતો. આ ઉપરાંત અન્ય કેબલો પણ કાપી નાખતાં કંપનીને નુકશાન થયું હતું.સમગ્ર મામલે અંદાજે રૂપિયા ૪૫ હજારની ચોરી અને નુકશાન અંગે સુરત ખાતે રહેતા અને કાસા આર્ક એલએલપી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રાવ ધર્મેન્દ્ર ભીખારામ ચૌધરી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઘટનાની મળતી વિગતો મુજબ ઉપરોક્ત કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની સીમમાં સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.આ પ્લાન્ટમાં વીજળીના ઉત્પાદન માટે ઈન્વર્ટર સહિતની સાધન સામગ્રી લગાવવામાં આવી છે.દરમ્યાન ગત તા.૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૮ મી સપ્ટેમ્બર દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ સોલાર પ્લાન્ટના કંપાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.ત્યાર બાદ ઈન્વર્ટર નંબર ૦૨ , ૦૩ અને ૦૪ ના ડીસી કોપર કેબલમાંથી આશરે ૧૫૦૦ મીટર જેટલો કોપર કેબલ કાપીને ચોરી કરી લીધો હતો.અંદાજે રૂપિયા ૪૫૦૦૦ હજાર ની કિંમતનો કેબલ ચોરી જવા ઉપરાંત તસ્કરોએ પ્લાન્ટમાં લગાવવામાં આવેલા અન્ય કેબલ પણ કાપી નાખ્યા હતા, જે મુજબ આશરે ૧૮૦૦ મીટર જેટલા કેબલ કાપી નાંખી નુકશાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં કંપનીના જવાબદાર કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યાર બાદ કંપનીના મેનેજરે પોલીસને જાણ કરી ચોરીની ઘટના અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે હાલમાં તા.૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.નોંધનીય છે કે સોલાર પ્લાન્ટ જેવી ઔદ્યોગિક સાઇટો પર સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ચોરીની ઘટના બનતાં કંપનીના કેબલ અને અન્ય સાધનસામગ્રીની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.ચોરીની આ ઘટના ગત સપ્ટેમ્બર મહિનાની ૧૮ તારીખે બની હતી.ત્યાર બાદ હાલ ઘટનાને દોઢ મહિનો વિત્યા બાદ સોલાર પ્લાન્ટ સંચાલકો દ્વારા પોલીસમાં ફરિયાદ લખાવાતા આ બાબતે આશ્ચર્ય સર્જાયું હતું.



