જંબુસરના ઉબેર નજીક વડોદરા મેન કેનાલમાં વહેલી સવારે મોટું ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં

SHARE:

– આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

– ભંગાણનું સમારકામ વહેલી તકે થાય અને ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ 

ભરૂચ,

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર નજીકથી પસાર થતી વડોદરા મેન કેનાલમાં વહેલી સવારે અંદાજે 3 વાગ્યાના અરસામાં મોટું ભંગાણ પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.કેનાલમાં અચાનક ગાબડું પડતાં નર્મદા કેનાલનું પાણી ધસમસતા પ્રવાહ સાથે આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યું હતું.જેના પગલે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા ત્યારે ઉબેર નજીક વડોદરા મેન કેનાલમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું.કેનાલનું પાણી ઝડપથી બહાર નીકળી આસપાસનાં ખેતરો તરફ ફંટાતાં ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરોમાં ફરી વળતાં ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ હતી અને પાકને નુકશાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.ખેતરોમાં ઉભેલા પાકને પાણી ભરાવાના કારણે મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતોની મહિનાઓની મહેનત અને ખેતી પાછળ કરવામાં આવેલા ખર્ચ પર પાણી ફરી વળવાની આશંકા ઊભી થતાં ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.ખાસ કરીને જે ખેતરોમાં હાલ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેનાલમાં ભંગાણ પડવાની ઘટનાને પગલે સિંચાઈ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.કેનાલની જાળવણી અને સમયાંતરે તપાસ કરવામાં આવે છે કે કેમ? કેનાલમાં આટલું મોટું ગાબડું કેવી રીતે પડ્યું? તેમજ ભંગાણ પડ્યા બાદ પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતાં તેને નિયંત્રિત કરવામાં કેટલો સમય લાગ્યો? તેવા અનેક સવાલો ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ ઘટનાને લઈને નર્મદા કેનાલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રોનક બાબુલે જણાવ્યું હતું કે કેનાલમાં ભંગાણ પડવાની જાણ થતાં પાણીનો પ્રવાહ આગળથી બંધ કરવામાં આવ્યો છે. પાણી બંધ થયા બાદ આગળની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.

હાલ ખેડૂતોની મુખ્ય માંગ છે કે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ભંગાણનું સમારકામ કરવામાં આવે અને ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ નુકસાનગ્રસ્ત ખેતરોનું તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે સિંચાઈ વિભાગ કેટલા સમયમાં કેનાલનું સમારકામ પૂર્ણ કરે છે અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને થયેલા સંભવિત નુકસાન અંગે તંત્ર દ્વારા ક્યારે સર્વે હાથ ધરવામાં આવે છે.હાલ તો ઉબેર નજીક કેનાલમાં પડેલા મોટા ભંગાણને પગલે ખેડૂતોની નજર તંત્રની કાર્યવાહી પર મંડાયેલી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!