– સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે તો 2027 માં પણ ભાજપની સરકાર બનશે : ડૉ.નરેશ દેસાઈ
ભરૂચ,
ભરૂચમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. નરેશ દેસાઈના પ્રથમ આગમનને પગલે જિલ્લા યુવા મોરચા દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.ઝાડેશ્વરના સાંઈ મંદિરથી કોલેજના આત્મીય હોલ સુધી આયોજિત બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાતાં ભાજપે યુવા સંગઠનની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
મહામંત્રી પરેશ પટેલ અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી રેલી બાદ આત્મીય હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ અને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી રાજકીય પડકારોનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ ડૉ.નરેશ દેસાઈએ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરી વર્ષ 2027માં પણ ગુજરાતમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે કોંગ્રેસ પર જાતિવાદનું રાજકારણ કરવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં ભાજપ માત્ર ચાર રાજ્યોમાં સત્તામાં હતો, જ્યારે આજે દેશભરમાં ભાજપનો વ્યાપ વધ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘Gen Z’ શબ્દના માધ્યમથી વિપક્ષ યુવાનોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આજનો યુવા વર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને નેતૃત્વની સાથે છે. આ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રદેશ તથા જિલ્લા સ્તરના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.




