રાજપીપલા ખાતે સંસ્કૃતિ ગૌરવ યાત્રા 2025 રેલી નીકળી

SHARE:

– બિરસામુંડા ચોક ખાતેથી સંસ્કૃતિ ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

– યુવા પેઢીમાં સંસ્કૃતિ અને પરંપરાની જાગૃતિ માટે ટેબ્લોના માધ્યમથી વૈદિક સાહિત્ય અને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા (રક્ષાબંધનના દિવસે) સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે.વધુમાં તા. ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી સંસ્કૃતિ દિન આવનાર છે, ત્યારે ૬ થી ૧૨ ઓગસ્ટ સુધી વિવિધ સંસ્કૃત સપ્તાહની ઉજવણી નર્મદા જિલ્લામાં કરાશે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત,નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરમાં આજે તા.૬-૮-૨૦૨૫ ના રોજ  “સંસ્કૃતિ ગૌરવ યાત્રા 2025” રેલીનું ભવ્ય આયોજન રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ રાજપીપલા બિરસામુંડા ચોક ખાતેથી આ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.કલેક્ટર મોદીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા શિક્ષણાધિકારી કિરણબેન પટેલની આગેવાનીમાં આ યાત્રામાં રાજપીપલાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી બિરસામુંડા ચોકથી શરૂ થઈને સફેદ ટાવર, રાજપીપલા નાગરિક સહકારી બેંક, હરસિદ્ધિ માતાના મંદિર,સંતોષ ચોકડી નગરચર્યા કરીને પસાર થઈને છેલ્લે ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે સમાપ્ત થઈ હતી.

રેલીમાં બાળકો વિવિધ બેનરો અને પ્લે કાર્ડ મારફતે જ્ઞાનના અમૃતભંડારરૂપ પ્રથમ વેદ ‘ઋગવેદ’ તથા તેના મંડળો,જેમાં સમાવિષ્ટ સ્તુતિરૂપ મંત્રો ઋષાઓ અને યજ્ઞની વિધિઓનો વિગતવાર ઉલ્લેખ કરતો ‘યજુર્વેદ’ સહિતના અનેક વેદો અંગે લોકોને જાણકારી આપી લોકસંદેશ પ્રસરાવી રહ્યા હતા.બાળકોએ ઋષિમુનીઓના વેશભૂષા-પોષાકથી ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિની ઝલકને પ્રતિબિબિંત કરી હતી.

 આજની યુવા પેઢીમાં સંસ્કૃતિ અને પરંપરાની જાગૃતિ માટે, યાત્રા દરમ્યાન ટેબ્લોના માધ્યમથી વૈદિક સાહિત્ય અને ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, વેદમંત્રોના ગાન, સંસ્કૃત ભાષાના શ્લોક-ગીતો, ગરબા અને વૈદિક પઠન જેવા વિવિધ પ્રદર્શનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા પ્રાચીન સંસ્કૃતિની ગૌરવમય પરંપરાઓ શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનોને પરિચિત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!