– બાળકોએ શ્રીકૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી મટકીફોડના કાર્યક્રમોમાં ભાગ લીધો
આમોદ,
આમોદમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે રણછોડજી મંદિર, વડતાલ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર,રામદેવપીર મંદિર,લક્ષ્મીનારાયણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા.તેમજ ભજન – કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમોદ તિલક મેદાન ખાતે હનુમાનજી મંદિરે વિશ્વ હિંદુ પરિષદના યુવાનો દ્વારા સાંજે પાંચ કલાકે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આમોદના જનતા ચોક ખાતે આવેલા રણછોડજી મંદિર,વડતાલ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર,રામદેવપીર મંદિર સહિતના મંદિરોએ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાત્રે બાર ના ટકોરે વિવિધ વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ગોવિંદા બનેલા યુવાનોએ મટકી ફોડી હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી.ત્યાર બાદ ફટાકડાની આતશબાજી કરી શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો.આમોદના મંદિર પરિસરોમાં ‘નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલકી ની ધૂન ઉપર ભક્તો ઝુમી ઉઠ્યા હતા.ત્યાર બાદ મટકી ફોડના કાર્યક્રમ બાદ ભક્તોએ બાળ નંદ લાલાને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી અને ચોકલેટ,પંજરીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.રાત્રીના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ બાળ કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભક્તોએ પોતાના નાના બાળકોને ટોપલીમાં બેસાડી ઝૂલા ઝૂલાવ્યા હતા.જન્માષ્ટમી નિમિત્તે નાના બાળકોએ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષા ધારણ કરી કરેલ મટકી ફોડ સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.




