– ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યા!
નર્મદા LCB એ ઝડપી પાડી ગુનો દાખલ કર્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે એવાબણગા ભાજપ સરકાર ફૂંકી રહી છે.ત્યારે જ નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખને બિયરના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.મહારાષ્ટ્ર તરફથી કારમાં વિદેશી દારૂ ભરીને એક વ્યક્તિ
ગુજરાત તરફ આવી રહી હોવાની બાતમી નર્મદા એલ.સી.બીની ટીમને મળતા એ વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.એ દરમ્યાન નજીકના નાલાકૂંડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમ્યાન મહારાષ્ટ્રના તીન ખૂણીયા જવાના રસ્તા પાસેથી સફેદ ક્લરની મારુતિ સ્વિફ્ટને ઊભી રાખી ચેક કરતા એમાંથી બિયરની પાંચ પેટીઓ મળી આવી હતી.પૂછતાછ દરમ્યાન કાર ચાલકે પોતાનું નામ બાલુ તેસિંગ વસાવા (રહે.ટીમલા તાલુકોઃ નેત્રંગ) હોવાનું જણાવ્યું હતું.નર્મદા એલસીબીએ આરોપીને સાગબારા પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે એની પાસેથી ૨૬,૪૦૦ રૂપિયાનો બિયરનો જથ્થો તથા ૩ લાખ રૂપિયાની કાર મળી કુલ ૩.૨૬ લાખનોમુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બિયરના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી બાલુ ફતેસિંગ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે.ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ
થતો હોવાના બણગા ફૂંકતી ભાજપ સરકારના સંગઠનનો હોદ્દેદાર જ બિયરના જથ્થા સાથે ઝડપાયો છે.ત્યારે એની વિરુદ્ધ ભરૂચ ભાજપ પ્રમુખ કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું.ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યા છે એ આશ્ચર્યની વાત છે.




