ભરૂચ,
ભરૂચમાં ‘સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મહિલા પોલીસ માટે સર્વાઈકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ યોજાતા જીલ્લા ભરના પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ લાભ લીધો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા ‘સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું.વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસ.પી.કચેરી ખાતે સર્વાઈકલ કેન્સર સામે રક્ષણરૂપ વિના મૂલ્ય વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાતા આ કેમ્પમાં જીલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ ૧૦૦ જેટલી મહિલા પોલીસ કર્મચારીઓએ સર્વાઈકલ કેન્સરની વેક્સિન લીધી હતી.મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જીલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌએ બિરદી હતી.આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ જીલ્લા પોલીસવડા એસ.પી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રેન્જ આઈ.જી સંદીપસિંહએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા એ વિભાગ માટે અગત્યનું છે.મહિલા કર્મચારીઓને સ્વસ્થ રાખવા માટે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો આગળ પણ યોજાશે.આ પ્રકારના આરોગ્ય અભિયાનો દ્વારા મહિલા કર્મચારીઓમાં કેન્સર જેવા ગંભીર રોગ અંગે જાગૃતિ સાથે પ્રતિકારક પગલાં લેવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.




