ભરૂચ,
ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જનભાગીદારી યોજના (નલ સે જલ) અંતર્ગત મંજૂર થયેલ ૪ કરોડના ખર્ચે નિર્મિત જે.બી. મોદી પાર્ક તથા ડુંગરીણી ઊંચી ટાંકીનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું.જેથી ભરૂચ નગરના પાણી પુરવઠા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે બનતી આ ટાંકીનો સ્થાનિક વિસ્તારમાં પાણી સપ્લાય સિસ્ટમમાં મોટો ફાયદો મળશે.
આ લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વરદહસ્તે રિબન કાપી ટાંકીને જાહેર વપરાશ માટે સમર્પિત કરવામાં આવી હતી.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ સહિત વિવિધ આગેવાનો,અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિકોની લાંબી સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાને હળવી બનાવવામાં આ નવી ટાંકી મહત્વપૂર્ણ સાબિત થવાની છે.ઊંચી ટાંકી કાર્યરત થતા આસપાસના રહેવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે.પાણી પુરવઠાની અડચણો દૂર થતા લોકોએ આ વિકાસ કામનું સ્વાગત કર્યું હતું.આ યોજનાથી ભરૂચ શહેરના પાણી પુરવઠા નેટવર્કમાં ગુણવત્તાસભર સુધારો થશે અને આગામી સમયમાં નગરપાલિકાના જળવ્યવસ્થા પ્રોજેક્ટોમાં વેગ મળવાની શક્યતા છે.




