– ગોવાલીના રહીશ પાસેથી માટીની ટ્રકો મંગાવનાર ઈસમે પૈસા લેવા બોલાવી માર મારતા ત્રણ ઈસમો સામે ફરિયાદ
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહીશ પાસે માટી મંગાવીને તેના બાકી નીકળતા પૈસા આપવાના બદલે માર મારતા ત્રણ ઈસમો સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના ગોવાલી ગામે રહેતા અલ્કેશભાઈ મંગળભાઈ દુધાસણા પાસે પોતાની માલિકીનું એક હાઈવા ડમ્પર છે.આ ડમ્પરનો તેઓ ધંધાકીય ઉપયોગ કરે છે.દરમ્યાન અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના સતિષ સોમાભાઈ પટેલને તેમની સાઈટ માટે માટીની જરૂર હોઈ અલ્કેશભાઈએ એમની સાઈટ પર પંદર ટ્રક જેટલી માટી નાંખી હતી.માટી નાંખ્યાને પાંચેક દિવસ થઈ ગયા હોવા છતાં તેના બાકી નીકળતા રૂપિયા ૪૫,૦૦૦ સતિષભાઈએ આપ્યા ન હતા.વારંવાર ફોન કરવા છતાં તેમણે બાકી નીકળતા પૈસા આપ્યા ન હતા.ત્યાર બાદ તા.૪ થીના રોજ તેમણે રૂપિયા ૧૦,૦૦૦ આપ્યા હતા. અલ્કેશભાઈએ બાકીની રકમ માટે ફોન કર્યો હતો.ત્યાર બાદ સતિષભાઈએ તા.૫ મીના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સમયે ફોન કરીને અલ્કેશભાઈને તેમની સાઈટ પર બોલાવ્યા હતા.સતિષભાઈના જણાવ્યા મુજબ અલ્કેશભાઈ રાણીપુરા ગામ નજીક હાઈવે ઉપરથી વૃધ્ધાશ્રમ તરફ જવાના માર્ગ પર ગયા હતા.તે સમયે સતિષભાઈ ત્યાં હાજર હતા. અલ્કેશભાઈ કંઈ સમજે તે પહેલા સતિષની સાથે આવેલ એક છોકરાએ અલ્કેશભાઈ સાથે ગયેલ તેમના પિતાને પાછળથી પકડી લીધા હતા અને સતિષે તેના હાથમાં રહેલ લાકડીનો સપાટો તેમના જમણા હાથ પર મારી દીધો હતો.ઉપરાંત અક્કુભાઈ અનિલભાઈ પટેલ નામના ઈસમે તેના હાથમાંની લાકડીના સપાટા અલ્કેશભાઈને મારી દીધા હતા.તેમજ સતિષભાઈએ પણ તેમને લાકડીના સપાટા માર્યા હતા.એ લોકોએ ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઘટના દરમ્યાન અલ્કેશભાઈ અને તેમના પિતા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી દવાખાનામાં દાખલ થયા હતા.મારામારીના આ બનાવ સંદર્ભે અલ્કેશભાઈ મંગળભાઈ દુધાસણા રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયાનાએ સતિષ સોમાભાઈ પટેલ રહે.બોરભાઠા તા.અંકલેશ્વર,અક્કુભાઈ અનિલભાઈ પટેલ રહે.નવા બોરભાઠા તા.અંકલેશ્વર જી.ભરૂચ તેમજ એક અજાણ્યો ઈસમ મળી કુલ ત્રણ સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




