– નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે સાંસદે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપનો પત્રકાર પરિષદ બોલાવી દર્શનાબેન દેશમુખે જવાબ આપ્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ આમને સામને આવતા ભરૂચ નર્મદાના ભાજપા રાજકારણમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે.ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પત્રકાર પરિષદ યોજી સાંસદ મનસુખ વસાવા ઉપર રોષ પ્રગટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદે 7 ડિસેમ્બરનાં રોજ એક નનામા પત્ર બાબતે પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.જે બાબતે પત્રકાર પરિષદમાં ડૉ.દર્શનાબેન દેશમુખે જવાબ આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની વાત છે તે સાબિત કરે. નહિ તો હું માનહાનીનો દાવો મનસુખ વસાવા સામે કરીશ.કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે હું કોર્ટ માં પણ જઈશ.મનસુખ વસાવાની સામે દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના હતા પરંતુ પ્રદેશમાંથી સૂચના મળી એટલે ધરણા રદ કર્યા હોવાનું જણાવ્યું હતું.દર્શનાંબેને આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી!
ધારાસભ્યએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું જયારથી ધારાસભ્ય બની છું ત્યારથી જ મારા પર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા છે. મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણી વિલાસ હંમેશા કરતા આવ્યા છે. હું પણ ભાજપ ની જ દીકરી છું તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી વિલાસ ના કરવો જોઈએએવી પણ સલાહ આપી દીધી હતી.દર્શનાબેને વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે પણ આવા નનામા પત્રો ઘણા આવે છે પણ અમે એને કચરામાં નાખી દઈએ છે. એના પર અમે કોઈ ટિપ્પણી કરતા નથી.
મનસુખ વસાવા બાબતે મે પ્રદેશ સુધી રજુઆત કરી છે એમ દર્શના બેન જણાવ્યું હતું.મનસુખ વસાવાને મારા માટે કોઈ પ્રશ્ન હોઈ તો યોગ્ય ફોરમમાં વાત કરવી જોઈએ. કેટલાય સમયથી હું મૌન હતી પણ આવા વાણી વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે.
હવે જો કાયમ મનસુખ વસાવા કઈ પણ બોલશે તો મારે જવાબ આપવો પડશે.સાંસદ વારંવાર મારા પરીવારને બદનામ કરવાંનું કામ કરે છે. એ નહીં ચલાવી લેવાય.અમે સંસ્કારી છીએ મનસુખ વસાવા હવે જે કાંઈ બોલશે તેનો જવાબ આપીશુ.વડીલ તરીકે સંસદ વાહીયાત વાતો કરે છે તે દુખદાયક છે. દર્શનાબેનનાં સાંસદ સામેના નિવેદન બાદ ભરૂચ – નર્મદાનું રાજકારણ ગરમાયું હતું.




