– “સશક્ત નારી મેળો” મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસનું જીવંત પ્રતિબિંબ છે : રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા
– ૧૦૦ જેટલા સ્ટોલના માધ્યમથી સ્વ-સહાય જૂથની બહેનો વિવિધ હસ્તકલાની ચીજ વસ્તુનું આ મેળામાં વેચાણ કરશે
ભરૂચ,
આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા” અંતર્ગત ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન જિલ્લા સ્તરીય ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, “સશક્ત નારી મેળો” મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસનું જીવંત પ્રતિબિંબ છે.જ્યારે મહિલાઓને યોગ્ય અવસર, માર્ગદર્શન અને સહારો મળે છે ત્યારે તેઓ પરિવાર, સમાજ અને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.બહેનોમાં રહેલી અદમ્ય સૃજનશક્તિને ઉજાગર કરવા માટે ગુજરાત સરકારે સશક્ત નારી મેળાનું આયોજન કર્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે આ મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વ-સહાય જૂથો, લખપતિ દીદી, ડ્રોન દીદી, મહિલા ખેડૂત અને સહકારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો આત્મનિર્ભર ભરૂચની ક્ષમતાનો પુરાવો આપે છે. મેળામાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન સહિત વિવિધ વિભાગોના સહયોગથી અંદાજે ૧૦૦ જેટલા સ્વદેશી ઉત્પાદન સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે સ્વ-સહાય જૂથો મારફતે મહિલાઓને રીવોલ્વિંગ ફંડ, બેંક લોન અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેવી આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જેના પરિણામે મહિલાઓ આજીવિકા ક્ષેત્રે સ્વાવલંબી બની રહી છે. ભરૂચ જિલ્લામાં NRLM અંતર્ગત હજારો સખી મંડળો અને ગ્રામ સંગઠનોને આર્થિક સહાય અને ધિરાણ આપવામાં આવ્યું છે. તેમજ ડ્રોન દીદી અને લખપતિ દીદી યોજનાઓ દ્વારા મહિલાઓને નવી તકો મળી રહી છે.મંત્રીએ કહ્યું હતું કે હવે ભરૂચ જિલ્લાની બહેનો માત્ર સ્થાનિક બજારમાં નહીં પરંતુ રાજ્ય બહાર અને ઓનલાઇન માધ્યમથી પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે,જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે અને પરિવાર આર્થિક રીતે મજબૂત બન્યો છે.રાજ્ય સરકાર બહેનોને વધુ સશક્ત, સ્વાવલંબી અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે તે માટે પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે નારી શક્તિના યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે મહિલાઓ આર્થિક રીતે પગભર બની રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહી છે.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને આગળ વધારવા માટે સૌ નાગરિકોને સશક્ત નારી મેળાની મુલાકાત લેવા અપીલ કરી હતી.
કાર્યક્રમ સ્થળે સૌ પ્રથમ રાજ્યમંત્રીએ મેળાને ખૂલ્લો મૂકી વિવિધ સ્ટોલની મુલાકાત કરી સખી મંડળની બહેનો સાથે સંવાદ સાધ્યો હતો. આ મેળાના સફળ આયોજન બદલ જિલ્લા વહિવટીતંત્ર, સંબંધિત વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્વ-સહાય જૂથોની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને “સશક્ત નારી – સમૃદ્ધ ગુજરાત”ના સંકલ્પને સૌએ મળીને સાકાર કરવાની અપીલ કરી હતી.





