– ૧૧.૭૨ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો
ભરૂચ,
ભરૂચ એસઓજી એ હાલ અંકલેશ્વર રહેતા મૂળ બિહારના બન્ને આરોપીની મિક્ષ હેરોઈન,બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૧.૭૨ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ભરૂચ એસઓજી ના પોલીસકર્મી સુરેશભાઈને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ વતનથી ડ્રગ્સ લઈ આવવાનો છે.પી.આઈ એ.એચ.છૈયા અને ટીમે અંકલેશ્વર GIDC ડેપોમાં વોચ ગોઠવી હતી. એસ.ટી. ડેપો માંથી રાકેશ મંડલ અને દીપક સીંગ આવતા તેમની ધરપકડ કરાઈ હતી.રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતા પાઉડરની ૧૪ જીપલોક પડીકી મળી આવી હતી.જ્યારે તેમાં જ મુકેલ ગોલ્ડ ફ્લેક સિગારેટની ડબ્બીમાં ૮ ફોઈલમાં ડ્રગ્સ મળ્યું હતું.
FSL ની હાજરીમાં તપાસ કરતા આ ડ્રગ્સ મિક્ષ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. સારંગપુરના લક્ષ્મણ નગરમાં રહેતા વોન્ટેડ સંતોષે ૧૦ દિવસ પેહલા વતન બિહાર ગયેલા રાકેશને હેરોઈન લઈ આવવા ફોન કર્યો હતો.ગત ૧૨ જાન્યુઆરીએ રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો તેના બે દિવસ પેહલા સંતોષનો મિત્ર પુરાની સરાઈ ગામે આ જથ્થો આપી ગયો હતો.
સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દિપક સીંગને બોલાવ્યો હતો.જે બન્ને SOG ના હાથે ૫૮.૧૧ ગ્રામ મિક્ષ હેરોઈન કિમત રૂપિયા ૧૧.૬૨ લાખના જથ્થા સાથે પકડાઈ ગયા હતા.આ ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ ૧૦ હજાર આપવાનો હતો. અગાઉ પણ સંતોષે દિપક સીંગના મોબાઈલ પર ફોન કરી રાકેશ પાસે કેટલીક વખત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો.
બન્ને ડ્રગ પેડલર અંકલેશ્વરમાં વર્ષ ૨૦૨૨ માં યુનિયન બેન્કમાં ૪૪ લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં ઝડપાઈ ચુક્યા છે.જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં પરત ફરી ડ્રગ પેડલર તરીકે સક્રિય થયા હોવાની વિગતો સામે આવી રહી છે.સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઈન ડ્રગ્સ ઝડપાવાનો પહેલો ગુનો પણ સામે આવ્યો છે.
ગુજરાતમાં યુવાધનને હેરોઈનના નશાના રવાડે ચઢાવવાનો ભરૂચ એસઓજી એ ચોંકાવનારો ખુલાસો થયો છે.ભરૂચ જિલ્લા એસઓજી અંકલેશ્વર GIDC બસ ડેપો વિસ્તાર માંથી બે ડ્રગ પેડલરને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હેરોઈન સ્મગલિંગ રેકેટની મહત્વની કડીઓ શોધી કાઢી છે.આગામી સમયમાં નશાના કારોબારને નાબૂદ કરવા કામ કરતી મોટી એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ શકે છે.પોલીસ સૂત્રો અનુસાર હેરોઈન વિદેશ માંથી ભારતમાં ઘુસાડાય છે અને ઉત્તર -પૂર્વ ભારતમાં ખાસ કરીને ભાગલપુર સહિતના વિસ્તારોમાં તેને હબ તરીકે ઉપયોગમાં લેવાય છે.અહીંથી નાની નાની ખેપ બનાવી અલગ અલગ રાજ્યના અલગ‑અલગ ભાગોમાં સપ્લાય કરવામાં આવે છે જેથી એક સાથે મોટો જથ્થો પકડાઈ જાય તો પણ મોટું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવતું હતું.પેડલર પાસેથી ૫૮ ગ્રામ હેરોઈન મળ્યું છે જેની કિમત અંદાજે ૧૧.૬૨ લાખ રૂપિયા જેટલી હોવાનું જણાવાયું છે.ભરૂચ જિલ્લાના ઈતિહાસમાં હેરોઈનનો સત્તાવાર ગુનો પ્રથમ વખત નોંધાયો હોવાથી પોલીસ મહેકમ તેમજ સમાજમાં ચિંતા વ્યાપી છે.
વર્ષ ૨૦૨૨ માં અંકલેશ્વરના પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં હથિયારો સાથે ત્રાટકેલા ૫ જેટલા લૂંટારુંઓએ તમંચાની અણીએ લૂંટ ચલાવી હતી.રાજપીપળા ચોકડી વિસ્તારમાં પોલીસની નાકા દરમિયાન આ લૂંટારુઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.આ લૂંટારુઓમાં હેરોઈન સાથે ઝડપાયેલા રાકેશકુમાર ચંદ્રશેખર રાધે મંડલ અને દિપકકુમાર સુબોધકુમાર પર્મેશ્વરકુમારસીંગનો પણ સમાવેશ થાય છે.
હેરોઈન અફીણના પોપી છોડ માંથી બનતી એક અત્યંત નશીલું અને જીવલેણ પદાર્થ છે.તે સામાન્ય રીતે પાવડર સ્વરૂપે હોય છે અને તેને સુંઘી અથવા ઈન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. ઝડપી નશો આપતા આ ડ્રગ પર આડઅસર સાથે તેની જબરદસ્ત લત લાગી જાય છેતો નશાના બાંધણીનું શારીરિક‑માનસિક સ્વાસ્થ્ય બગડે છે. હેરોઈનના ઓવરડોઝથી મૃત્યુ પણ થઈ શકે છે. ભારતના NDPS કાયદા હેઠળ હેરોઈનનું ઉત્પાદન, ખરીદ‑વેચ અને રાખવું ગંભીર ગુનો ગણાય છે.




