– મૂળ ભાવનગરની પ્રીતિ ઉદેસિંહ પરમારે પોતાના રૂમમાં પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું
– પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો
– આપઘાતનું સાચું કારણ જાણવા પરિવારજનો અને સહકર્મીઓની બી ડિવિઝન પોલીસે પૂછપરછ કરવા સાથે વધુ તપાસ શરૂ કરી
ભરૂચ,
ભરૂચ પોલીસ હેડક્વાર્સમાં મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં છેલ્લા ધણા વર્ષોથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મૂળ ભાવનગરની ૨૭ વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે ગતરોજ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર હેડ ક્વાર્ટરસ ખાતે આવેલા તેના રહેણાંક રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી જીવન ટુંકાવી લીધું હતું.જે ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈ હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘાત પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો તથા સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી હતી.મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાને લઈને શહેર સહિત પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.




