ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા ખાતે બિસ્માર રસ્તાથી ત્રસ્ત લોકોએ ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો

SHARE:

– બિસ્માર રસ્તો અને ઉપરથી ધુળ ઉડતા બેવડી સમસ્યાથી વ્યથિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા- સ્થાનિક પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો

– સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ધોરીમાર્ગ વર્ષો વિતવા છતાં કેમ લોકોને સક્ષમ સુવિધા આપવામાં નિષ્ફળ?

– રાજપારડી નજીકના સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને આ સ્થળે બમ્પ બનાવવાની રજુઆત પણ પોલીસ દ્વારા ધ્યાને લેવાઈ 

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયાને વર્ષો વિતવા છતાં હજુ માર્ગ સાચા અર્થમાં લોકો માટે સુવિધાજનક નથી બની શક્યો ! ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા જેવા ધંધાકીય મથકોની ચોકડીઓ પરથી આ ધોરીમાર્ગ પસાર થાય છે.લાંબા સમયથી ધોરીમાર્ગ વારંવાર બિસ્માર બનતા તેના પરના ગાબડાઓ પુરવાની કામગીરી અવારનવાર કરવામાં આવે છે,પરંતું રોડ થોડાજ સમયમાં ફરીથી પાછો જૈસેથે સ્થિતિમાં આવી જતો હોઈ લોકોને પડતી હાલાકિ યથાવત રહે છે! તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડીના ચાર રસ્તા ખાતે પણ ધોરીમાર્ગ બિસ્માર બની ગયો હોઈ સ્થાનિક લોકો અને વાહનચાલકો પારાવાર હાલાકિ ભોગવી રહ્યા છે,તેમાં દોડતા વાહનોને લઈને ધુળ ઉડવાની સમસ્યા પણ સર્જાતી હોઈ લોકોને માટે બેવડી સમસ્યા સર્જાય છે !ત્યારે આજરોજ રાજપારડી ચાર રસ્તા પરના બિસ્માર રસ્તાને લઈને પડતી આ બેવડી તકલીફથી ત્રસ્ત સ્થાનિક લોકોએ રાજપારડી ચાર રસ્તા પર જતા આવતા વાહનો અટકાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.બિસ્માર રસ્તાને લઈને વ્યથિત થયેલ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જતા આવતા વાહનો અટકાવી દીધા હતા.ચાર રસ્તા પર  ચક્કાજામ સર્જાતા રાજપારડી પીઆઈ બી.એમ.ચૌધરી પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.દરમ્યાન પોલીસ મથકમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી,જેમાં અધિકારીઓ દ્વારા હાલ રાજપારડી ચાર રસ્તા પર ધુળ ઉડવાની સમસ્યાને લઈને માર્ગ પર પાણીનો છંટકાવ કરવાનું અને માર્ગ દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરવાનું જણાવાતા મામલો થાળે પડ્યો હતો.ઉલ્લેખનીય છેકે અંકલેશ્વર રાજપીપલાનો ધોરીમાર્ગ રાજપીપલાની આગળ છોટાઉદેપુર બોડેલી તરફના માર્ગ સાથે જોડાતો હોઈ બોડેલી તરફના વાહનો પણ સુરત મુંબઈ તરફ આવજાવ કરવા આ માર્ગનો ઉપયોગ કરે છે.તેથી આ ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે.અત્યાર સુધી ધોરીમાર્ગ માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે છતાં માર્ગ સાચા અર્થમાં લોકો માટે સુવિધાસભર નથી બન્યો શક્યો તે બાબત સાચેજ દુખદ અને આશ્ચર્યજનક ગણાય !– રાજપારડી નજીકના સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ગતિ અવરોધકો બનાવવા માંગ

રાજપારડી નજીકના સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાતા હોઈ આ સ્થળે ગતિ અવરોધકો બનાવવાની  જરૂર છે.દરમ્યાન આ બાબતે  આજરોજ રાજપારડી પીઆઇ બી.એમ.ચૌધરીનું ધ્યાન દોરવામાં આવતા તેમણે આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે સારસા ગામે ધોરીમાર્ગની બન્ને તરફ ગામ વસેલું છે.વળી નવી વસાહતના નાના બાળકોએ પણ ગામમાં આવેલ શાળાએ જવા રોડ ઓળંગવો પડે છે,વળી ગામલોકોએ અવારનવાર એક તરફથી બીજી તરફ આવવાજવા માટે રોડ ઓળંગવો પડે છે,તેમજ ગામના ખેડૂતોએ પણ રોડની બીજી તરફ આવેલા ખેતરોએ જવા માટે વારંવાર રોડ ક્રોસ કરવાની નોબત આવતી હોય છે.આ સ્થળે રોડ પરથી પસાર થતા વાહનો ઝડપથી પસાર થતા હોઈ ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે.આ અકસ્માતોમાં ઘણા જીવલેણ અકસ્માત પણ થયા હતા,તેથી સારસા ગામે રોડની બન્ને તરફ ગતિ અવરોધકો બનાવવાની તાકીદની જરૂર જણાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!