– તત્કાલીન સરપંચને વાતરસા ગામે બિન અધિકૃત ખોદકામ કરતા ભુસ્તર વિભાગે ૧.૪૫ કરોડનો દંડ ફટકાર્યો હતો
ભરૂચ,
આમોદ તાલુકાના વાતરસા ગામના તત્કાલીન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચને ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીએ ડેપ્યુટી સરપંચ અને સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.આમોદ તાલુકાના વાતરસા ગામમાં અલગ – અલગ સર્વે નંબરોમાં ગામના તત્કાલીન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ વલી ઈસ્માઈલ ચટી દ્વારા ૫૮૮૩૫ મેટ્રિક ટન સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના એક જાગૃત નાગરિક દ્વારા જે તે સમયે ખાણ ખનિજ વિભાગ,તકેદારી આયોગ તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત ફરીયાદ કરવામાં આવી હતી.ત્યારે ભરૂચ જીલ્લા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ કચેરીની તપાસ ટીમ દ્વારા જી.પી.એસ.તેમજ ઊંડાઈ મેજર ટેપથી પંચોની રૂબરૂ બિનઅધિકૃત ખોદકામની માપણી કરવામાં આવી હતી.જેમાં ૫૮૮૩૫ મેટ્રિક ટન બિનઅધિકૃત માટીનું ખોદકામ થયું હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ભરૂચ જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીએ આમોદ તાલુકાના વાતરસા ગામના તત્કાલીન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચને કસૂરવાર ઠેરવી સાદી માટીના બિનઅધિકૃત ખોદકામ બદલ ૧,૪૫,૧૭,૫૪૫ નો દંડ ફટકાર્યો હતો.વાતરસા ગામના તત્કાલીન સરપંચ તથા હાલના ડેપ્યુટી સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે અને કાયદાની ઉપરવટ જઈ બિનઅધિકૃત રીતે માટી ખનન કરી ગ્રામ પંચાયત તેમજ સરકારને ખૂબ મોટું નુકશાન પહોંચાડ્યું હતું.જેથી ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીએ ગત રોજ વાતરસા ગામના ડેપ્યુટી સરપંચ તથા સભ્ય પદેથી વલી ઈસ્માઈલ ચટીને દૂર કરવા હુકમ કર્યો હતો.




