(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની સીમમાં આવેલ એક સોલાર પ્લાન્ટમાંથી તસ્કરો રૂપિયા ૬૧૦૭૦ ની કિંમતના કોપર વાયરની ચોરી કરીને અન્ય સામાન તોડીને નુકશાન કરી ગયા હોવાની ઘટના બનવા પામી હતી.
નેત્રંગ પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની સીમમાં કાસા આર્ક એલ.એલ.પી કંપનીની દેખરેખ હેઠળનો ભાસ્કર સિલ્ક મિલ્સ પ્રા.લી.નો સોલાર પ્લાન્ટ આવેલો છે.૧૨.૬૮ એકર જેટલી જમીનમાં બનેલ પ્લાન્ટની ચારેય તરફ બાઉન્ડ્રી વોલ બનાવેલ છે.સોલાર પ્લાન્ટમાં સોનાર પેનલ,એ.સી.કેબલ, ડી.સી.કેબલ,અર્થિંગ પટ્ટી, ઈલેક્ટ્રિક પેનલ જેવા સાધનો દ્વારા સ્ટ્રક્ચર ઉભું કરેલ છે.સોલાર પ્લાન્ટની સિક્યુરિટી માટે દિવસ દરમિયાન એક માણસ અને રાત માટે પાંચ માણસો રાખેલ છે.દરમ્યાન ગત તા.૨૪ મી જાન્યુઆરીના રોજ સવારના નવ વાગ્યાના સમયે કાસા આર્ક એલ.એલ.પી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ધર્મેન્દ્ર ભીખારામ રાવને જાણ થઈ હતી કે મોરીયાણા ગામની સીમમાં આવેલ આ સોલાર પ્લાન્ટમાં ચોરી થયેલ હતી.તપાસ કરતા સોલાર પ્લાન્ટમાં લગાડવામાં આવેલ ઈન્વેટરમાં લગાવેલ ૩૦૦ મીટર કેબલ નહી હોવાનું જણાયું હતું.ઉપરાંત ગત તા.૧ લી નવેમ્બરના રોજ પણ ચાર ઈન્વેટરો માંથી ૧૩૮૮૦ મીટર કેબલ ચોરાયો હોવાની પણ જાણ થઇ હતી,તેમજ તસ્કરોએ અન્ય કેટલોક સામાન તોડીને નુકશાન પણ કરેલ હતું.આમ સોલાર પ્લાન્ટમાં બે વાર થયેલ ચોરીઓમાં ૧૪૧૮૦ મીટર કેબલ ચોરાયો હતો,ચોરાયેલ કોપર કેબલનું વજન આશરે ૪૯.૫૭ કિલોગ્રામ જેટલું થતું હોઈ કોપર વાયરની ભંગારના બજારભાવે ૧ કિલોના ૧૨૩૨ રૂપિયાના ભાવ મુજબ કુલ કિંમત રૂપિયા ૬૧૦૭૦ થતા આ ચોરી બાબતે નેત્રંગ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.




