ભરૂચ,
ભારતના રમત જગત માટે ગૌરવની વાત છે કે ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી પંજાબ ભારત ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમ્યાન યોજાયેલી 2nd એશિયન જુનિયર સોફ્ટ ટેનીસ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો.આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો.એવી કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ખનક પટેલે પોતાની અવિરત મહેનત,શિસ્ત અને ઉત્તમ રમતકૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ,રાજ્ય તેમજ ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખૂબી જૈન,હેમ મહેતા અને પલ ચાવડાએ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ લેવા ગયા હતા.ભરૂચ જિલ્લાના અનેક ખેલાડીઓનું એક સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવું એ જિલ્લામાં રમતગમતના મજબૂત વિકાસનું પ્રતિબિંબ છે.
આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓલ ટેનીસ એકેડમી ખાતે ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ લઈ રહી છે.એકેડમીના કોચીસના માર્ગદર્શન અને ખેલાડીઓની મહેનતનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે.
શૈક્ષણિક રીતે ખનક પટેલ, પલ ચાવડા અને હેમ મહેતા હાલમાંમાં કિવન ઓફ એન્જલ શાળામાં જયારે ખૂબી જૈન દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.આ તમામ ખેલાડીઓ અભ્યાસ સાથે રમતગમતમાં શ્રેષ્ઠ સંતુલન જાળવીને આગળ વધી રહ્યા છે જે અન્ય વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.
ભરૂચના તમામ ખેલાડીઓની આ સિદ્ધિથી તેમના કોચીસ, પરિવારજનો તેમજ સમગ્ર રમતપ્રેમી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.આ સફળતા આવનારા સમયમાં ભરૂચ જિલ્લાના વધુ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે પ્રેરણા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે.
શાળાના આચાર્ય તેમજ કોચ દ્વારા ખાનક પટેલ, ખૂબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડાને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.




