– ક્રેઈનની મદદથી મૃતદેહ બહાર કઢાયો : પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
ભરૂચ,
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પીલુદરા ગામ નજીક આગળ ચાલતા ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જેના મૃતદેહને બહાર કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી.
અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એકપ્રેસ વે પર બુધવારની સવારે અકસ્માત સર્જાયો હતો.જેમાં આગળ ચાલી રહેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલકને અંદર ફસાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાના પગલે ટ્રક ચાલકનું કેબિનમાં જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકના મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લઈ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
અકસ્માતના કારણે એક્સપ્રેસવે પર થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




