ઝઘડિયાના રાણીપુરા ગામે પત્રકાર પર હુમલો કરનાર રેત માફિયાની આગોતરા જામીન અરજી એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી દીધી

SHARE:

– પત્રકાર પર હુમલો કરનાર રેત માફિયા દેવાંગ પાટણવાડીયા વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી

ભરૂચ,

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે નર્મદા નદીમાંથી યાંત્રિક નાવડી અને મશિનના ઉપયોગ દ્વારા રેત ખનનની પ્રવૃત્તિ કરનાર ગોવાલી ગામના દેવાંગ પાટણવાડીયા વિરૂધ્ધ રાણીપુરા ગામના જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા જિલ્લા ભુસ્તર વિભાગ સહિત અન્ય સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.ત્યાર બાદ ભુસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેતી કાઢવામાં વપરાતું મશિન તેમજ યાંત્રિક નાવડી સહિત કુલ રૂપિયા ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. રેત માફિયા દેવાંગ પાટણવાડીયા દ્વારા ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવામાં આવતા દેવાંગ પાટણવાડીયા વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી.ગત તા.૨૯ મીના રોજ બનેલ હુમલાની ઘટના બાદ પણ આરોપી દેવાંગ પાટણવાડીયા પોલીસ પકડથી દુર રહ્યો હતો,અને તેના દ્વારા અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી.દરમિયાન આજરોજ તા.૨૧ મીના રોજ સદર આરોપી દેવાંગ પાટણવાડીયાની આગોતરા જામીનની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને નામદાર કોર્ટ દ્વારા દેવાંગ પાટણવાડીયાની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રીજેક્ટ કરી દેવાતા હવે દેવાંગ પાટણવાડીયાને શોધીને તેને અટકાયતમાં લેવા સ્થાનિક પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવશે એમ હાલના તબક્કે દેખાઇ રહ્યું છે. આ ઘટનાના ફરિયાદી જયશીલ પટેલ દ્વારા આરોપી તેમના પર અને રાણીપુરાના કેટલાક લોકો પર ફરીથી હુમલો કરે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે ભુસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપર સીઝ કરાયેલ રેત ખનનના સાધનોમાંથી નાવડી ગુમ થઇ જતા તે બાબતે રહસ્ય સર્જાયું હતું,અને આ બાબતે જયશીલ પટેલ દ્વારા ભરૂચ ભુસ્તર શાસ્ત્રી અને ઝઘડિયા પોલીસને લેખિતમાં ફરિયાદ કરીને નાવડી ગુમ થવા બાબતે ગુનો દાખલ કરવા જણાવ્યું હતું. નામદાર કોર્ટ દ્વારા દેવાંગની આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ સ્થાનિક પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તેના પર હાલતો સહુની નજર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!