ભરૂચ,
હાઈકલ લિમિટેડ દ્વારા 4 થી 11 માર્ચ દરમ્યાન તેના તમામ પ્લાન્ટ અને કાર્યસ્થળોએ નેશનલ સેફ્ટી વીક 2026ની ઉજવણી કરવામાં આવી હતી. “From Responsibility to Ownership – Engage, Educate, Empower People to Enhance Safety” થીમ હેઠળ આયોજિત આ અભિયાનનો હેતુ કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જવાબદારીની ભાવના મજબૂત બનાવવાનો અને કાર્યસ્થળે સુરક્ષાની સંસ્કૃતિ વિકસાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત કંપનીના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા લીડરશિપ કિક-ઓફ સાથે કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ સેફ્ટી પ્રતિજ્ઞા, સેફ્ટી ફ્લેગ હોસ્ટિંગ, દીપ પ્રજ્વલન અને લીડરશિપ સેફ્ટી કમિટમેન્ટ બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે સુરક્ષા પ્રત્યે મેનેજમેન્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સેફ્ટી વીક દરમ્યાન કંપનીની ડિજિટલ સેફ્ટી ગવર્નન્સ સિસ્ટમ SunBPMને વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકાયો હતો. કર્મચારીઓને ‘નિયર મિસ’, અસુરક્ષિત પ્રવૃત્તિઓ અને જોખમોની સમયસર જાણ કરવા તથા યોગ્ય પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી સંભવિત જોખમોને પહેલાંથી જ અટકાવી શકાય.
આ ઉપરાંત લીડરશિપ ગેમ્બા વોક, ક્રોસ-ફંક્શનલ સેફ્ટી ઓડિટ, હેઝર્ડ હન્ટ સ્પર્ધા, સેફ્ટી ક્વિઝ, PPE જાગૃતિ કાર્યક્રમો અને મોક ડ્રિલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. “ચકા ચક – ક્લીન સાઈટ, સેફ સાઈટ” સ્પર્ધા તેમજ 5S મૂલ્યાંકન દ્વારા પ્લાન્ટમાં સ્વચ્છતા અને સલામતી જાળવવા પર ભાર મૂકાયો હતો.
કાર્યક્રમના અંતે વિવિધ સ્થળોએ સમાપન કાર્યક્રમ યોજાયા, જેમાં સેફ્ટી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને આગામી વર્ષ માટે સુરક્ષા સંબંધિત લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા.
આ પ્રસંગે હાઈકલ લિમિટેડના પ્રેસિડન્ટ – એચઆર રતીશ ઝાએ જણાવ્યું હતું કે “સુરક્ષામાં પરિવર્તન લાવવા માટે માત્ર નીતિઓ અને પ્રક્રિયાઓ પૂરતી નથી, પરંતુ તેની સાથે વ્યક્તિગત જવાબદારીની ભાવના પણ જરૂરી છે. આ અભિયાન દ્વારા અમે અમારા કર્મચારીઓને યોગ્ય સિસ્ટમ, નેતૃત્વનો સહકાર અને ભાવનાત્મક જોડાણ સાથે સશક્ત બનાવી રહ્યા છીએ જેથી સુરક્ષા દરેક માટે વ્યક્તિગત પ્રતિબદ્ધતા બને.અમારો હેતુ એવી સંસ્કૃતિ વિકસાવવાનો છે જ્યાં દરેક વ્યક્તિ પોતાની સુરક્ષા સાથે સાથે પોતાના સહકર્મચારીઓના કલ્યાણ માટે પણ જવાબદાર હોવાનું અનુભવે.”




