– સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રતન તળાવ અને આઈકોનિક રોડ સહિત વિવિધ વિકાસ કાર્યો કરાશે
– વિપક્ષે બજેટને જૂની કેસેટ ગણાવ્યુ : ડોર ટુ ડોર ને લઈને વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને
ભરૂચ,
ભરૂચ નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં રૂપિયા 235.10 કરોડનું અને 37.71 કરોડની પુરાંતવાળુ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.જોકે સભા શરૂ થાય તે પહેલા જ વિપક્ષે સત્તાપક્ષ ને ઘેરતા સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળ્યા હતા.
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં નગર સેવા સદનનું 235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.બજેટમાં 37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જ્યારે 197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો હતો.ગત વર્ષે નગર સેવા સદન દ્વારા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે.આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા આ બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કર-વેરા લાગુ કર્યા નથી.નગર સેવા સદન દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા,આઈકોનિક રોડ, ટાઉનહોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે.
આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસએ ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા.કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં 20-20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા હોવાનું કહી જુની કેસેટ ગણાવ્યું હતું. સાથે જ ડોર-ટુ-ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.બેઠક દરમ્યાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા-ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ પાલિકાની અંતિમ સભા યોજાતા બજેટ સર્વાનુમતે મંજુર તો થયું છે પરંતુ બજેટમાં લેવામાં આવતા વિકાસના કામો છેલ્લા ઘણા સમયથી માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે.ત્યારે આ બજેટમાં લેવાયેલ કામો ચૂંટણી યોજાયા બાદ નવી ટીમો પૂર્ણ કરે તે જરૂરી છે.




