દેશના કોઈ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ થયું નથી : હર્ષ સંઘવી

SHARE:

– નેત્રંગમાં ચારે દિશામાં એક જ ચાલે, મોદી – મોદી અને ભાજપની ગુંજ : નાયબ મુખ્યમંત્રી

– ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું

– તાલુકાના આપ કાર્યકરો કાર્યાલયને તાળું મારી ભાજપમાં આવ્યા કહ્યું ગૃહમંત્રીએ

– ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ગણપત વસાવાનો સન્માન સમારંભ યોજાયો

ભરૂચ,

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સંમેલન પેહલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નેત્રંગ ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.નેત્રંગ ચાર રસ્તાથી આદિવાસી શૈલી મુજબ હર્ષ સંઘવીનું ભવ્ય રેલી રૂપે સ્વાગત સભા સ્થળ સુધી કરાયું હતું.સભાને સંબોધતા હર્ષ સંઘવીએ નેત્રંગના ચારે ખૂણે આજે એક જ નારો ગુંજી રહ્યો હોવાનો ગૌરવ અનુભવ્યો હતો. એક જ ચાલે મોદી ચાલે અને ભાજપ ભાજપની ગુંજે આજે નેત્રંગમાં વટ પડી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું.નેત્રંગની ભૂમિને વંદન કરવાનું મન, જીવંત આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક તેમણે ગણાવ્યું હતું. ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન ભૃગુનગરી ભૃગુઋષિની ભૂમિમાં આદિવાસીઓની આસ્થાને વંદન કરવા અમે આવ્યા હોવાનું તેમને સભાને કહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વાક પ્રહારો કર્યા હતા. તેમણે માનભેર કહ્યું હતું કે, આદિવાસી સમાજનું ચારેય દિશામાં નેતૃત્વ કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. પરિવારના મોભી તરીકે આદિવાસી સમાજ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યું. રાજ્ય સરકારમાં ચાર ચાર મંત્રી આદિવાસી છે. તેઓએ કોંગ્રેસ, આપ અને બિટીપીમાંથી 200 થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

કેબિનેટ મંત્રી મુકેશ પટેલે અમે આદિવાસીઓના મસીહા નહીં પણ સામાન્ય કાર્યકર છીએ કહી ભાજપ સરકારમાં આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપી હતી. 

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અમરસિંહ ચૌધરી કરતા પણ ગણેશ વસાવાને સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેઓએ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી. સંમેલનમાં ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારીના મારૂતિસિંહ અટોદરિયા, ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ, તાલુકાના આગેવાનો, જિલ્લાના હોદેદારો સહિત કાર્યકરો અને આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!