ઝઘડીયાની ભારત ગેસ એજન્સીના ગોડાઉન માંથી ૯૫૬ સિલિન્ડર સગેવગે : સ્ટોર કીપર પર ૧૭.૫૭ લાખનો ગેરવહીવટનો આરોપ મુકવામાં આવ્યો

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડિયા)

ઝઘડીયા ખાતે આવેલી નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ગાયબ થયાની ઘટના સામે આવી છે.આ મામલે ગોડાઉન કીપર વિરુદ્ધ ૯૫૨ ગેસ સિલિન્ડર સગેવગે કરી ૧૭.૫૭ લાખનો ગેરવહીવટનો આરોપ લગાવી ફરીયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને ઝઘડીયા ખાતે નિસર્ગ ગેસ એજન્સી ચલાવતા દિગ્વીજયસિંહ પૃથ્વીસિંહ વળવીએ આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની ગેસ એજન્સી દ્વારા ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલુ તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. એજન્સીની ઓફિસ ઝઘડીયા ખાતે એચડીએફસી બેન્ક પાસે આવેલ છે,જ્યારે ગોડાઉન આઈટીઆઈ રોડ પર સર્વે નં. ૪૨૧ ખાતે આવેલ છે.ફરિયાદ મુજબ ગોડાઉન કીપર તરીકે વાલીયા તાલુકાના નિકોલી ગામના પિયુષભાઈ ભગુભાઈ ગામીત છેલ્લા ૧૩ વર્ષથી નોકરી પર રાખવામાં આવ્યા છે.તા.૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ ગોડાઉનમાં રૂટિન ચેકિંગ દરમ્યાન ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડર કુલ ૯૫૬ ઓછા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ગોડાઉન કીપરને પૂછપરછ કરતાં તેમણે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસે બાકી હોવાનું તેમજ કેટલાક વેચાઈ ગયા હોવાનું જણાવ્યું હતું.પરંતુ એજન્સી દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ ૯૫૬ સિલિન્ડરની રિફિલિંગ કિંમત રૂ. ૩,૭૧,૬૮૦ અને સિલિન્ડરની કિંમત રૂ. ૧૩,૮૬,૨૦૦ મળી કુલ રૂ. ૧૭,૫૭,૮૮૦ જેટલી કિંમત ના રિફીલ સાથેના ગેસ સિલિન્ડર સગેવગે કરવામાં આવતા ગેસ એજન્સી માલિકને નુકસાન થતું હોવાનું જણાયું છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે ગોડાઉન કીપર દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે સિલિન્ડરો સગેવગે કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!