– સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ભાજપનો ડર નથી પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટી હરાવી શકે છે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સેન્સ થી માંડી ટિકિટ માટેપ્રકિયાથી માંડીને પ્રચાર કાર્ય સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.ભાજપે ચૂંટણી અગાઉ કેટલાક ઉમેદવારો માટે કડક નિયમો બનાવ્યા છે ત્યારે તેની સામે સાંસદ મનસુખ વસાવા ખુલીને સામે આવ્યા છે.
એક તરફ ભાજપ, કોંગ્રેસ અને AAP પોતપોતાના સમીકરણો ગોઠવી રહ્યા છે.આ દરમ્યાન શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ઉમેદવારોના સિલેક્શનને લઈ આંતરિક કચવાટ જોવા મળી રહ્યો છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પક્ષને અરીસો બતાવતા કહ્યું કે, 60 વર્ષથી ઉપરના, 3 ટર્મ લડેલા અને પરિવારવાદ ધરાવતા લોકોને ટિકિટ નહીં આપવાના કડક નિયમો પક્ષને નુકસાન પહોંચાડી શકે છે.પાયાના કાર્યકરોની અવગણનાથી પક્ષમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે.
ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના સિલેક્શન માટે કડક નિયમો અપનાવ્યાં છે જેમાં ખાસ કરીને 60 વર્ષથી ઉપરના, 3 ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારોને બાદબાકી કરવામાં આવી છે. જેથી પાર્ટીની અંદર વિરોધનો સૂર ઊભો થયો છે કે પાયા અને પીઢ કાર્યકરોની અવગણના થઈ રહી છે.આ નિયમને કારણે ભાજપમાં અનેક જૂના કાર્યકરોની પાર્ટીની રીતભાતથી નારાજ થયા છે. જેની સીધી અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડશે તેવું દેખાઈ રહ્યું છે.
સમગ્ર બાબતે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નિયમો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે.તેમણે કહ્યું છે કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ભાજપનો ડર નથી પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટી હરાવી શકે છે.આવા નિયમો લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં નથી તો સ્થાનિક ચૂંટણીમાં કેમ? કહી સવાલ ઊભો કરતાં જણાવ્યું હતું કે જે લોકો 3 ટર્મ ચૂંટણી લડ્યા છે પણ તે તેમના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે જો તે નિષ્ક્રિય થઈ જશે તો ભાજપને નુકસાન જશે. ગુજરાતભરમાં ભાજપના સિનિયર કાર્યકરો નિરાશ થયા છે.
‘ભાજપ શિસ્તને વરેલી પાર્ટી છે એટલે કાર્યકરો બોલી નથી શકતા પણ મને મળે છે ત્યારે નારાજગી વ્યક્ત કરે છે. હું માનું છું કે સ્થાનિક ચૂંટણીમાં આવા કડક નિયમો ન હોવા જોઈએ, તેની કોઈ જરૂર નથી, બાંધછોડ હોવી જરૂરી છે. યુવા ટીમને પ્રોત્સાહિત કરવી જોઈએ પણ કેટલીક જગ્યાએ જોવું જોઈએ કે જીતે તેવા સમીકરણ બેસે છે કે નહીં. ચૂંટણીમાં જીતવું મહત્વનું છે કે સંગઠનમાં યુવાનોને સ્થાન આપવું જોઈએ પણ ચૂંટણીમાં જે જીતી શકે તેવો જ ઉમેદવાર રાખવો જોઈએ.’
‘ઘણી વખત એવું બનતું હોય છે કે સ્થાનિક ચૂંટણીમાં કોઈ સમાજનું પ્રભુત્વ હોય તેવા જ ઉમેદવારો હંમેશા જીતે છે, તો તે પાર્ટીએ જોવું જોઈએ ત્યાં આવા કડક નિયમો ન રાખવા જોઈએ. ઉપરથી પાર્ટીએ જે નિયમો ઠોકી બેસાડ્યા છે તે બિલકુલ બરોબર નથી.ઘણી વખત સ્થાનિક ઉમેદવારે ઘણી મહેનત કરી હોય છે પણ રાતોરાત બહારનો ઉમેદવાર ઠોકી બેસાડો છો તો સ્થાનિકો નારાજ થવાના જ છે.
ભાજપ ભલે યુવા લોહી અને નવા ચહેરાઓને તક આપીને સંગઠનને આધુનિક બનાવવા માંગતું હોય, પરંતુ મનસુખ વસાવા જેવા પીઢ નેતાનું માનવું છે કે ચૂંટણીમાં ‘જીત’ સૌથી વધુ મહત્વની છે.જો અનુભવી નેતાઓની અવગણના થશે અને પક્ષ હારશે,તો તેના માટે આ કડક નિયમો જ જવાબદાર રહેશે.




