– ઘરમાં શૌચાલય નહિ હોવાથી નિર્ણય લેવાયા,હવે ડમી ઉમેદવાર ચૂંટણી લડશે?
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાની ગરૂડેશ્વર બેઠક પર એક અચરજ પમાડે ઘટના સામે આવી છે.ગરૂડેશ્વર તાલુકાની વાવિયારા બેઠક પરથી ભાજપ માંથી ઉમેદવારી કરનારા ઉમેદવારના ઘરે શૌચાલય નહિ હોવાથી તેનું ઉમેદવારીપત્ર રદ્દ
કરવામાં આવ્યું છે.ભાજપના ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ્દ થતાં હવે તેના સ્થાને ડમી ઉમેદવારીપત્ર ભરનારા ઉમેદવાર ચૂંટણી લડશે.
ગરૂડેશ્વર તાલુકા પંચાયતની 16 બેઠક પરથી ભાજપ તરફથી 25 ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યાં હતાં. વાવિયારા બેઠક પરથી ભાજપે રાજેશ ભીલને ટિકીટ
આપી હતી.સોમવારના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. વાવિયારા બેઠક પરના ઉમેદવારીપત્રોની ચકાસણી દરમ્યાન ચૂંટણી અધિકારીએ ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડી રહેલાં રાજેશ ભીલને શૌચાલય બાબતે પૂછપરછ કરી હતી.જેમાં તેમણે પોતાના ઘરે શૌચાલય નહિ હોવાની કબૂલાત કરતાં તેમનું ઉમેદવારીપત્ર રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
ઉમેદવારીપત્રમાં ઉમેદવારના આઘરમાં શૌચાલય હોવા બાબતનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું ન હતું. ભાજપના સત્તાવાર ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ્દ થતાં તેમના સ્થાને ડમી તરીકે ઉમેદવારી કરનારા જીતેન્દ્ર વસાવાનું ઉમેદવારીપત્ર માન્ય રાખવામાં આવ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે ભાજપાના રાજમાં ભાજપાના જ ઉમેદવારના ઘરે શૌચાલય ન હોય એ આશ્ચર્ય જ નહીં ખેદજનક પણ કહેવાય.ઉમેદવારને શું એ પણ ખબર નહીં હોય કે ફોર્મ ભરતી વખતે શૌચાલયનો ગુગલ ફોટો લોકેશન સાથે પાડી શૌચાલય હોવાનું પ્રમાણ પત્ર આપવું ફરજીયાત છે.છતાં પણ સત્તાધારી પક્ષના સક્રિય કાર્યકર્તા અને ભાજપાના ઉમેદવારના ઘરે જ શૌચાલય ના હોય એ તંત્ર માટે પણ શરમજનક કહેવાય.આજે નર્મદા જિલ્લામાં હજી પણ લોકોના ઘરમાં શૌચાલય નથી એવા એક કેસનો પર્દાફાશ થયો છે ત્યારે આવા બીજા કેસો પણ હોઈ શકે છે જેની વહીવટી તંત્ર તપાસ કરે તો કદાચ ઘણી ચોકવનારી હકીકત બહાર આવી શકે. શું તંત્ર તપાસ કરશે ખરી?




