– ભરૂચમાં કારકિર્દીની શરૂઆતમાં વકીલાત કરી અનેક લોકોને ન્યાય અપાવ્યો હતો
ભરૂચ,
ભરૂચ શહેરમાં કારકિર્દીના શરૂઆતી તબક્કામાં ધારાશાસ્ત્રી તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હાલ વાપીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે સેવા આપતા ડો હર્ષવદન નરસિંહભાઈ વકીલે ભાવનગરની શેઠ એચ.જે.લૉ કોલેજ માંથી પીએચડીની ડિગ્રી મેળવી છે.
ભાવનગર શેઠ એચ જે લો યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખાના પ્રિન્સિપાલ ડૉ.જે.એ પંડયાના માર્ગદશકા હેઠળ વાપીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ ડો હર્ષવદન વકીલે “બાળકોના અધિકારો અને બાળકોની જાતીય સતામણી અંગેની કાયદાકીય જોગવાઈઓ અને અદાલતોના ચુકાદાઓ”ના પરિપ્રેક્ષ્યમાં એક વિશ્લેષણાત્મક અભ્યાસ કર્યો છે.આ અંગે તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.
આ સંશોધન કાર્યમાં બાળકોના અધિકારો અને બાળમિત્ર ન્યાયિક પ્રણાલી અંગે વિશ્લેષણાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળ શોષણ, ન્યાયિક પ્રક્રિયા અને સમાજમાં તેની અસર અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં બાળકો વિરુદ્ધ થતા ગુનાઓમાં વધારો નોંધાયો છે જેને ધ્યાનમાં રાખીને આ સંશોધન અત્યંત પ્રાસંગિક માનવામાં આવે છે.
સંશોધનમાં આંતરરાષ્ટ્રીય તથા ભારતીય કાયદાઓ, માનવ અધિકાર સંધિઓ તેમજ બાળ અધિકાર સુરક્ષા માટેની નીતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાથે સાથે સંશોધકે વિવિધ સંસ્થાઓમાં જઈને મેદાની અભ્યાસ પણ કર્યો છે, જેમાં પીડિત બાળકો, તેમના માતા-પિતા, સમાજના આગેવાનો અને પોલીસ તંત્ર સાથે વાતચીત કરવામાં આવી છે.આ અભ્યાસમાં પોક્સો એક્ટ-2012 તથા તેના નિયમો-2020નો વિશેષ ઉલ્લેખ કરીને તેની અસરકારકતા અને અમલીકરણ અંગે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.સંશોધનમાં જણાવાયું છે કે પીડિત બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે વધુ જાગૃતિ અને સહાયની જરૂર છે.
આટલા મહત્વપૂર્ણ અને ચિંતાજનક વિષયમાં ઊંડું સંશોધન કરતા ડો હર્ષવદન વકીલને ભાવનગર કેળવણી મંડળના ટ્રસ્ટીઓ , આચાર્ય , અધ્યાપકો , ગુજરાતના વિદ્વાન ન્યાયધીશો, નામાંકિત ધારાશાસ્ત્રી , સામાજિક અગ્રણીઓ અને પરિવારના સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે.




