– કથિત હવાલા કાંડ ગટર, રસ્તા સહિતના મુદ્દાઓ ભટકાવવાનો પ્રયાસ : ચૈતર વસાવા
ભરૂચ,
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે.ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાતે બાઈકનું આયોજન ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહારો કરવા સાથે કથિત હવાલા કાંડને મુખ્ય મુદ્દાઓથી પ્રજાને ભટકાવવાનો પ્રયાસ હોવાનું કહ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર અંબાજી મંદિર ખાતેથી આપના ઉમેદવારોના સમર્થનમાં બાઈક રેલીનું આયોજન કરાયું હતું.રેલીમાં હાજરી આપવા આવેલા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ શાસિત નગરપાલિકા અને ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.તેઓએ જણાવ્યું કે ભરૂચમાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં લોકો ગટર, પાણી અને ગંદકી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે.તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને નાના કામો માટે પણ કમિશન આપવું પડે છે.આ વખતે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અંદાજે 6,500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે,જેઓ મજબૂતીથી લડી રહ્યા છે.
સુરતના કથિત હવાલા કાંડ અંગેના પ્રશ્નના જવાબનમાં તેઓએ કહ્યું હતું કે AAP એક રાષ્ટ્રીય પાર્ટી છે અને ચૂંટણી સમયે નાના-મોટા કાર્યક્રમોના ખર્ચ થતા હોય છે. તેમણે ભાજપને સવાલ કર્યો કે “તમારા કરોડોના કમલમ બનાવવાના પૈસા ક્યાંથી આવ્યા?” તેઓએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચની જનતા આ વખતે પાયાની સુવિધાઓ જેવી કે શિક્ષણ,આરોગ્ય અને રોજગારીના મુદ્દે AAPના ઉમેદવારોને વિજયી બનાવશે.
”જનતા હવે પરિવર્તન ઈચ્છે છે.ભાજપ મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા હવાલા કાંડ જેવા વાહિયાત આક્ષેપો કરી રહી છે, પણ અમે જનતાના પ્રશ્નો માટે લડતા રહીશું.”




