ભરૂચ,
ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે મંદિરોમાં ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડયો છે. આરોપીએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં આઠથી વધુ મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. આ કાર્યવાહીથી સિદ્ધનાથનગરના અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિર સહિત બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટની રાત્રે સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમોએ તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ અને અગાઉના મંદિર ચોરીના આરોપીઓની માહિતીના આધારે પોલીસને મહત્વની કડી મળી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સ શક્તિનાથ ગરનાળા પાસે છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 35 વર્ષીય રાકેશ બચુભાઈ મેડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના રૂ. 5,740 રોકડા અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 10,740નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપીની વધુ પૂછપરછમાં તેણે આશરે આઠ મહિના પહેલા
આરોપીની વધુ પૂછપરછમાં તેણે આશરે આઠ મહિના પહેલાં શક્તિનાથ સર્કલ પાસેના શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, તેણે આનંદનગરના ઓમકારેશ્વર અને આનંદેશ્વર મહાદેવ મંદિર, આશ્રય સોસાયટીના હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી, ભાથીજી દાદા મંદિર, ભોલાવના સોમનાથ મહાદેવ મંદિર, જ્યોતિનગર નજીકના મહાદેવ મંદિર અને ઝાડેશ્વરની આલેખ સોસાયટી નજીકના મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ તપાસમાં આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ અને રાત્રિના પોલીસ પોઈન્ટથી પરિચિત હતો. તે કીમથી ટ્રેન દ્વારા ભરૂચ આવતો અને રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને નિશાન બનાવતો હતો. રેલવે પાટા પરથી ચાલીને મંદિર સુધી પહોંચ્યા બાદ દાનપેટીમાંથી રોકડ ચોરી કરી તેને મંદિરથી થોડે દૂર અવાવરૂ સ્થળે લઈ જઈ તોડતો હતો.
પકડાયેલ રાકેશ મેડા અગાઉ પણ ભરૂચના ‘એ’ અને ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અને અન્ય મંદિર ચોરીના ગનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.




