– વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપ થતા શિક્ષકને ફરજ મોફુક કરવાનો આદેશ કરાયો હતો
ભરૂચ,
આમોદ તાલુકાના ઈખર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને વર્ગખંડમાં શિક્ષક દ્વારા માર માર્યાની ફરિયાદ બાદ હવે પોલીસ કાર્યવાહી થઈ છે.વાંચવામાં ભૂલ થઈ હોવાનું કહીને વર્ગ શિક્ષક મુબારક યુસુફ વોરાએ વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપને પગલે આમોદ પોલીસે શિક્ષક સામે ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે આવેલી આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે વાંચન દરમ્યાન ભૂલ થઈ હતી. આ દરમિયાન શિક્ષક ગુસ્સે થયા હોવાનો આક્ષેપ છે.ત્યાર બાદ શિક્ષકે પ્લાસ્ટિકની પાઈપ વડે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.મારના કારણે બાળકના શરીર પર નિશાન પડી ગયા હોવાની માહિતી સામે આવી છે. પરિવારજનોના ધ્યાનમાં આ ઘટના આવ્યા બાદ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને લઈને પરિવાર તરફથી પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવ્યા બાદ આમોદ પોલીસે શિક્ષક મુબારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨) તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથધરી છે.કેસ નોંધાવાની કાર્યવાહી બાદ હવે પોલીસ માટે ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવી મહત્વપૂર્ણ રહેશે. વિદ્યાર્થી, પરિવારજનો, શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને સંબંધિત શિક્ષકોના નિવેદન લેવામાં આવી શકે છે. ઘટનાના સમયે વર્ગખંડમાં શું બન્યું હતું, બાળકને કેટલી ઈજા થઈ હતી અને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપોની પુષ્ટિ કરતી કોઈ સામગ્રી કે સાક્ષી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસનો ભાગ બની શકે છે.
આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કડક વલણ અપનાવાયું હતું.અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે “શાળાઓમાં બાળકો સાથે કોઈપણ પ્રકારની શારીરિક હિંસા કે માનસિક ત્રાસ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.વિદ્યાર્થીઓ નિર્ભય વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે સુનિશ્ચિત કરવું એ શિક્ષણ વિભાગની પ્રાથમિકતા છે.ઈખરની ઘટના અત્યંત નિંદનીય હોઈ, પ્રાથમિક અહેવાલના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે અને તેમની સામે ખાતાકીય તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે.શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીથી અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.




