– કોલેજમાં જન્માષ્ટમીની રજા હોવાથી ઉલ્લાસભેર બિફોર જન્માષ્ટમીની ઉજવણી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી.કરવામાં આવી હતી.કોલેજમાં જન્માષ્ટમીની રજા હોવાથી ઉલ્લાસભેર બિફોર જન્માષ્ટમીની ઉજવણી કરાતા કૉલેજ પરિવાર અને વિદ્યાર્થીઑ નું કેમ્પસ જય કનૈયાલાલકીના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
કોલેજ રાજપીપળા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ ભક્તિ, ઉત્સાહ, આનંદ અને ભારતીય સંસ્કૃતિના રંગોથી ભરપૂર રહ્યો હતો.
કોલેજના આચાર્ય ડૉ.એસ.જી.માંગરોલાના નેજા હેઠળ આયોજિત આ જન્માષ્ટમી મહોત્સવમાં કોલેજના તમામ શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફ સભ્યો તેમજ આશરે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો, કર્મયોગ, ધર્મ, સત્ય અને કર્તવ્યનિષ્ઠા તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવાય તે હેતુથી સમગ્ર કાર્યક્રમને ધાર્મિક તથા સાંસ્કૃતિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું.જન્માષ્ટમી મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષા, સંગીત અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમથી સમગ્ર કોલેજ પરિસર કૃષ્ણમય બની ગયું હતું.
મટકી ફોડ કાર્યક્રમ બાદ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિભાવપૂર્વક આરતી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી, શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લીધો હતો. આરતી બાદ ઉપસ્થિત સૌ માટે પ્રસાદરૂપે બૂંદી, ગાંઠિયા અને પંજરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌએ ભક્તિભાવ સાથે પ્રસાદ ગ્રહણ કરી જન્માષ્ટમીની ઉજવણીનો આનંદ માણ્યો હતો.ત્યાર બાદ વિદ્યાર્થીઓ તથા સ્ટાફના ઉત્સાહને વધારવા તેમજ ભારતીય લોકસંસ્કૃતિ અને ગુજરાતી પરંપરાને ઉજાગર કરવા માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.




